નિવૃત્ત મહિલા કર્મચારીનું સાંઇબાબા પ્રત્યે અનોખું સમર્પણ
શિરડી સાંઇબાબાને અર્પણ કરી જીવનભરની કમાણી
મુંબઈ: મહારાષ્ટ્ર ઉપરાંત આખા દેશ અને વિદેશમાંથી પણ શિરડીના સાંઇબાબાના ભક્તો દર વર્ષે શિરડી આવીને લાખો અને ક્યારેય કરોડો રૂપિયાનું દાન આપતા હોય છે. જોકે, કોઇ પોતાના જીવનભરની કમાણી સાંઇબાબાના ચરણે અર્પણ કરી દીધી હોય તેવા કિસ્સા જ્વલ્લે જ સામે આવે છે. આવી જ ઘટના હાલમાં બની હોવાનું જણાયું છે, જેમાં એક નિવૃત્ત સરકારી મહિલા કર્મચારીએ સાંઇબાબાના ચરણોમાં પોતાની જીવનભરની કમાણી અર્પણ કરી દીધી હતી.
નિવૃત્તિ બાદ મળતી ગ્રેજ્યુઇટી, પોતાના બધા જ દાગીના અને લાખો રૂપિયાનો ચેક આ મહિલાએ શિરડી સાંઇબાબાના મંદિરમાં દાનમાં આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોલાપુર ખાતે રહેતી મહિલા મંદાકિની ગુરલિંગે 20 લાખ રૂપિયાનો ચેક, દાગીના એમ કુલ મળીને 33 લાખ રૂપિયા દાનમાં આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ 20 લાખ રૂપિયાનો ચેક અને 13,44,000 રૂપિયાની કિંમતના વીસ તોલાના દાગીના દાનમાં આપ્યા હતા.
મંદાકિની સોલાપુર ખાતે આરટીઓ ડિપાર્ટમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. તે પોતાના કુટુંબમાં એકલા જ હોવાના કારણે તેમણે પોતાના જીવનની બધી જ મતા સાંઇ ચરણોમાં અર્પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
મારી માટે પેન્શન પૂરતું: મંદાકિની
તેમણે દાન આપવા વિશે જણાવતા કહ્યું હતું કે હું સાંઇબાબાની મોટી ભક્ત છું, પરંતુ મને ક્યારેય શિરડી આવવાનો મોકો જ મળ્યો નહોતો. આજે મને અહીં આવવા મળતા હું ખૂબ જ આનંદિત છું. હું સેવા નિવૃત્ત થઇ છું ત્યારે મારી પાસે રહેલી રકમથી સત્કાર્યો થાય એ માટે મેં દાન આપ્યું છે. હું ઘરમાં એકલી જ છું અને મને કોઇ બીમારી પણ નથી એટલે પેન્શનની રકમ મારા જીવનનિર્વાહ માટે પૂરતી છે. જેથી બાકીના પૈસાની મનેે કોઇ જરૂર નથી. હું ગુજરી જાઉં ત્યારબાદ આ સંપત્તિ શિયાળ-કૂતરાં ખાઇ જાય તેના કરતાં હું હયાત છું ત્યારે જ તેને સારા કાર્ય માટે દાનમાં આપી દઉં તે વધુ યોગ્ય મને જણાયું.