ડ્યૂટી વખતે રેલવે કર્મચારીને મળ્યું હતું મોત, તપાસ રિપોર્ટ રેલવેને સોંપ્યો
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ત્રણ રેલવે કર્મચારીના રનઓવર (ટ્રેન અકસ્માતમાં મોત)ના કિસ્સામાં તપાસ સમિતિ દ્વારા તાજેતરમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. 22મી જાન્યુઆરીના ડ્યૂટી પરના ત્રણ રેલવે કર્મચારીને ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયા હતા, ત્યારબાદ અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાની તપાસનો અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં આ અકસ્માતનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
અકસ્માતના એક કરતાં વધુ કારણો હોવાનું અહેવાલમાં જણાવતા કહેવાયું છે કે રાત્રિનો સમય અને બંને બાજુથી આવતી ટ્રેનના કારણે સર્જાયેલી અસમંજસતાના કારણે આ અકસ્માત બન્યો હતો. આ ઉપરાંત અચાનક અપ-લાઇન ઉપરથી પણ ટ્રેન પસાર થઇ હતી જેના કારણે કર્મચારીઓને ત્યાંથી બચવાની તક મળી નહોતી અને એક જગ્યાએ ફસાઇ જવાના કારણે આ દુર્ઘટના બની હતી.
આ દુર્ઘટના માટે તપાસ સમિતિએ કોઇને જવાબદાર ઠેરવી નહોતી, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તેના માટે અમુક ભલામણો કરી હતી. ભવિષ્યમાં આવા બનાવો બને નહીં એ માટે નવ ભલામણો સમિતિ દ્વારા રેલવે પ્રશાસનને આપવામાં આવી હતી.
આ ભલામણોમાં રેલવે કર્મચારીઓ કામ કરતા હોય તેવા સ્થળોએ ટ્રેકની આસપાસ સિક્યોર પાથ-વે આપવામાં આવે. તેમ જ જોખમી સ્થળોએ રેફ્યુજ સ્પોટ્સ(આશ્રય સ્થાન) બનાવવાની ભલામણ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સૌથી મહત્ત્વની બાબતોમાં જેમ કે મેનપાવરની ખેંચ પડતી હોય તો તેનું નિરાકરણ લાવવાની સાથે ઓનફિલ્ડ કામ કરનારા કર્મચારીની સુરક્ષા માટે ખાસ કરીને ટેક્નોલોજિકલ સોલ્યુશન લાવવાની ભલમાણ કરી હતી.
22મી જાન્યુઆરીના બનાવમાં ટેલિકોમ્યુનિકેશન અને સિગ્નલ વિભાગ સહિત અન્ય વિભાગના કર્મચારીના મોત થયા હતા, ત્યારબાદ તેની તપાસ માટે સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશનના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર અને ડિવિઝનલ એન્જિનયરનો સમાવેશ ખવામાં આવ્યો હતો. આ મુદ્દે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સૂચિત સમિતિ દ્વારા જે રિપોર્ટમાં સોંપવામાં આવ્યો છે તેના અંગે ગંભીરતાથી પાલન કરવામાં આવશે.