સિડકો દ્વારા કોસ્ટલ રોડ બનાવવાની યોજના તૈયાર
એરપોર્ટ સુધી પહોંચવા માટે સીધો માર્ગ બનાવવામાં આવશે

નવી મુંબઈ: ખારઘરને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને જેએનપીટી સાથે જોડવા માટે કોસ્ટલ રોડ બનાવવાની યોજના સિડકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં ખારઘરથી ઉલવે જવા માટે સીબીડી બેલાપુર થઈને જવું પડે છે, પરંતુ કોસ્ટલ રોડ બન્યા બાદ ખારઘરના લોકોને બેલાપુર આવવાની જરૂર નહીં પડે અને સમયની પણ બચત થશે.
મળતી માહિતી મુજબ સિડકોએ સાયન-પનવેલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે આ વૈકલ્પિક માર્ગ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માર્ગ માટે 205 કરોડ 49 લાખનું અંદાજિત બજેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
આ કોસ્ટલ રોડના નિર્માણ બાદ તળોજા, ઈન્ટરનેશનલ કોર્પોરેટ પાર્ક, ખારઘરમાં બનાવવામાં આવનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા મકાનોમાં રહેતા લોકો અને ઉદ્યોગપતિઓ સીધા જ એમટીએચએલ સુધી પહોંચી શકશે. આ માર્ગના નિર્માણ બાદ ખારઘર અને તળોજાથી જેએનપીટી પહોંચવું સરળ બનશે.
દક્ષિણ મુંબઈથી વધશે કનેક્ટિવિટી
ખારઘરથી કોસ્ટલ માર્ગ બન્યા બાદ ખારઘર અને તળોજાની દક્ષિણ મુંબઈ સાથેની કનેક્ટિવિટી પણ વધશે. મળતી માહિતી મુજબ આ રૂટની લંબાઈ 10.10 કિલોમીટર હશે. સિડકોના અધિકારીઓનું કહેવું છે કે આ માટે સીઆરઝેડ પાસેથી પરવાનગી લેવામાં આવી છે.
ખારકોપરથી ઉલવે સુધી અંડરપાસ
ઉલવેના સેક્ટર 13ને ખારકોપરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા સંકુલ સાથે જોડવા માટે અંડરપાસ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંડરપાસ દ્વારા ખારકોપરમાં બનેલા વડા પ્રધાન આવાસ સંકુલમાં રહેતા લોકો સીધા ખારકોપર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે. સિડકો આ અંડરપાસ પાછળ અંદાજે રૂ. 13 કરોડનો ખર્ચ કરી રહી છે.