મુંબઈથી ટેફ ઓફ કરી રહેલી ફ્લાઈટમાં પ્રવાસીએ સળગાવી બીડી અને પછી…

મુંબઈઃ મુંબઈમાં ફ્લાઈટમાં જ એક પ્રવાસીએ બીડી પીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાને કારણે અફડાતફડી મચી ગઈ હતી અને છે પોલીસે આ આખી ઘટનાની નોંધ લેવી પડી હતી. પોલીસે પ્રવાસીને તાબામાં લઈને તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રવાસીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે પ્રવાસીની ઓળખ મોહમ્મદ ફકરુદ્દીન મોહમ્મદ અમરુદ્દીન (42) તરીકે કરવામાં આવી હતી. મુંબઈથી ટેક ઓફ કરી રહેલી ફ્લાઈટમાં તેણે બીડી પ્રગટાવી હતી. વિમાનમાં સિગારેટ, માચીસ કે લાઈટર લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ આવી ઘટના બનતાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈ સહાર પોલીસે આ પ્રવાસીને તાબામાં લીધો હોઈ તેની સામે આઈપીસીની કલમ 336 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય તેની સામે એરક્રાફ્ટ એક્ટ અંતર્ગત સંબંધિત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આરોપીની તાબામાં લીધા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હોવાની માહિતી પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.