કેપ્સ્યૂલ્સમાં ડ્રગ્સ છુપાવી દિલ્હી જવા નીકળેલી નાઇજીરિયન મહિલા મુંબઈ એરપોર્ટ પર પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેપ્સ્યૂલ્સમાં ડ્રગ્સ છુપાવી દિલ્હી જવા નીકળેલી નાઇજીરિયન મહિલાને કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડી હતી. મહિલાની ઓળખ વિક્ટોરિયા ઓકાફોર (39) તરીકે થઇ હોઇ તેને નાલાસોપારાની એક વ્યક્તિએ આ ડ્રગ્સ દિલ્હી લઇ જવા માટે આપ્યું હતું.
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) પાસેથી મળેલી માહિતીને આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ શનિવારે મુંબઈ એરપોર્ટ પર નાઇજીરિયન મહિલાને આંતરી હતી. વિક્ટોરિયા ઓકાફોર નામની મહિલા ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં દિલ્હી જવા એરપોર્ટ પર આવી હતી.
દરમિયાન વિક્ટોરિયાની તલાશી લેવામાં આવતાં આંતરવસ્ત્રમાં છુપાવવામાં આવેલી 20 જેટલી કેપ્સ્યૂલ મળી આવી હતી, જેમાં 350 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. આથી વિક્ટોરિયા સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. વિક્ટોરિયાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને આ ડ્રગ્સ નાલાસોપારાના ઓન્યે નામના શખસે આપ્યું હતું, જે દિલ્હી પહોંચાડવાનું હતું અને આ કામ માટે તેને રૂ. 50 હજાર મળવાના હતા. વિક્ટોરિયા દિલ્હીમાં આ ડ્રગ્સ કોને આપવાની હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.