અંધેરીમાં રૂ. સવા કરોડનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનની ધરપકડ

મુંબઈ: અંધેરી વિસ્તારમાં રૂ. સવા કરોડની કિંમતનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ઝડપી પાડ્યો હતો.
એએનસીના બાંદ્રા યુનિટનો સ્ટાફ સોમવારે અંધેરી પૂર્વમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બસસ્ટોપ નજીક ઊભેલા નાઇજીરિયન પર તેમની નજર પડી હતી. પોલીસને જોઇ નાઇજીરિયને ભાગવાનો પ્રયાસ કરતાં તેને તાબામાં લેવાયો હતો. પોલીસે તેની તલાશી લેતાં રૂ. સવા કરોડની કિંમતનું 125 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું.
આથી પોલીસે નાઇજીરિયન વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં હાજર કરાતાં 12 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. આરોપી મુંબઈ અને ઉપનગરોમાં યુવાનોને ડ્રગ્સ વેચતો હોવાનું તપાસમાં જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે એએનસીના અધિકારીઓએ 2023થી અત્યાર સુધીમાં 233 ડ્રગ પેડલરની ધરપકડ કરીને રૂ. 65 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આરોપીઓમાં 16 નાઇજીરિયન અને બે ટાન્ઝાનિયનનો સમાવેશ છે.