મધ્ય રેલવે પર અહીં ઊભું કરાશે એક નવું સ્ટેશન, પ્રવાસીઓને થશે રાહત
મુંબઈઃ મધ્ય રેલવે પર દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને હવે આ પ્રવાસીઓનો પ્રવાસ થોડો આરામદાયક બને એ માટે મધ્ય રેલવે દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મધ્ય રેલવે દ્વારા બદલાપુર અને અંબરનાથ સ્ટેશન વચ્ચે ચિખલોલી સ્ટેશનનું કામ હવે શરૂ થાય એવા એંધાણ આપવામાં આવ્યા છે. છેલ્લાં ચાર વર્ષથી આ સ્ટેશનનું કામ અટકી પડ્યું હતું. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન દ્વારા હાલમાં જ નવા રેલવે સ્ટેશન માટે 1.93 કરોડનો કોન્ટ્રાક્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે.
મધ્ય રેલવે પર અંબરનાથ અને બદલાપુર વચ્ચે ચિખલોલી સ્ટેશન અને રેલવેની પ્રસ્તાવિત ત્રીજી ચોથી લાઈન માટે પણ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુો છે. કલ્યાણથી બદલાપુર પર વચ્ચે ત્રીજી-ચોથી લાઈન અને બદલાપુર-અંબરનાથ વચ્ચે ચિખલોલી સ્ટેશનનું કામ પણ હવે વેગ પકડે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મધ્ય રેલવે પર આવેલા આ બંને સ્ટેશન વચ્ચે સાત કિલોમીટરનું અંતર છે અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસતી અને સિવિલાઈઝેશન થયું છે તેથી ચિખલોલી સ્ટેશન ઊભું કરવામાં આવે તો અનેક પ્રવાસીઓને રાહત થાય એટલે આ સ્ટેશન કાર્યરત્ કરવાની માગણી અનેક વર્ષોથી કરવામાં આવી રહી છે. કલ્યાણના સાંસદ ડો. શ્રીકાંત શિંદેએ આ સ્ટેશન બનાવવામાં આવે એ માટે આગેવાની લીધી હતી. 28મી ડિસેમ્બર, 2022માં રેલવે દ્વારા અંબરનાથ અને બદલાપુર વચ્ચે ચિખલોલી સ્ટેશન ઊભું કરવાની પરવાનગી આપતો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.
અંબરનાથ અને બદલાપુર બંને શહેરમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આ જ કારણે આ નવું સ્ટેશન ઊભું થતાં તેનો ફાયદો હજારો પ્રવાસીઓને થશે. ધસારાના સમયે બંને સ્ટેશન પર ખૂબ જ ભીડ જોવા મળે છે પણ ચિખલોલી સ્ટેશન ઉમેરાઈ જતાં બંને સ્ટેશનની ભીડ ઓછી થશે, એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશનથી ચિખલોલી સ્ટેશેનનું અંતર 64.17 કિલોમીટર હશે, જ્યારે અંબરનાથથી ચિખલોલી સ્ટેશન 4.34 કિલોમીટર જ્યારે બદલાપુરથી ચિખલોલી સ્ટેશન 3.1 કિલોમીટર જેટલું હશે.