દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકમાં નવું અત્યાધુનિક પાર્કિંગ પ્લોટ બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં પીકઅવર્સમાં વાહનચાલકોને પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા શોધવી એક માથાનો દુખાવો સમાન છે ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈના ફોર્ટમાં હુતાત્મા ચોક (ફાઉન્ટ) નજીક નવું અત્યાધુનિક પાર્કિંગ પ્લોટ ઊભો કરવાની છે.
દક્ષિણ મુંબઈમાં આ ત્રીજો નવો પાર્કિંગ પ્લોટ બનાવાનો છે. આ અગાઉ પાલિકા માટુંગા મધ્ય રેલવે અને મુંબાદેવી પરિસરમાં પાર્કિંગ પ્લોટ ઊભો કરવા માટે કૉન્ટ્રેક્ટર નીમીને કોન્ટ્રેક આપવામાં આવ્યો હતો પણ એક વર્ષ કરતા વધુ સમય નીકળી ગયા બાદ હજી સુધી બંને જગ્યાએ કામ ચાલુ થયા નથી, ત્યારે ત્રીજા પાકિર્ર્ગ પ્લોટ માટે કૉન્ટ્રેક્ટર નીમીને પાલિકા પ્રશાસન ફક્ત કૉન્ટ્રેક્ટરોને કામ આપવા માટે ટેન્ડર બહાર પાડી રહી છે, કે શું એવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
હુતાત્મા ચોક પાસે પાર્કિંગના કામ માટે પ્રશાસને નક્કી કરેલા દર કરતા ૫૨ ટકા વધુ દરે બોલી લગાવીને જીએસટીને બાદ કરતા ૬૨ કરોડ રૂપિયામાં થનારું આ કામ હવે ૯૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના છે. અહીંં ૧૭૬ વાહનો પાર્ક કરવાની સગવડ રહેશે.
મુંબઈમાં વાહનોની વધતી સંખ્યા સામે પાર્કિંગની જગ્યા ઓછી પડી રહી છે. ૨૦૧૪થી અત્યાર સુધી મુંબઈમાં વાહનોની સંખ્યામાં ૧૬ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪ના સર્વેક્ષણમાં શહેરના રજિસ્ટર્ડ વાહનોની સંખ્યા ૨૫.૪૬ લાખ હતી તો ૨૦૨૦માં તેમાં વધારો થઈને હવે આ સંખ્યા ૪૦ લાખની થઈ ગઈ છે.
વધતા વાહનોની સંખ્યા સામે તેને પાર્ક કરવા માટે જગ્યા ઓછી પડતી હોય છે. વાહનચાલકો ગેરકાયદેસર રીતે ગમે ત્યાં વાહનો પાર્ક કરતા હોય છે, તેને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પાલિકાના કહેવા મુજબ રસ્તા પરના પાર્કિંગ પ્લોટની જગ્યા ફક્ત ૪૫,૦૦૦ વાહનો માટે છે. વાહનોની સંખ્યા સામે પાર્કિંગની જગ્યા ઓછી છે.
તેથી પાલિકા દક્ષિણ મુંબઈના ફોર્ટમાં હુતાત્મા ચોક પાસે ૧૭૬ વાહનોને સમાવી શકાય તે મુજબનું અત્યાધુનિક ઓટોમેટિક પાર્કિંગ પ્લોટ ઊભું કરી રહી છે, તેની માટે ખાનગી કંપનીને કામ સોપવામાં આવ્યું છે. વાહનો પાર્ક કરવા માટે ઊભા કરવામાં આવનારા આ પાર્કિંગ પ્લોટ માટે ૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
આ અગાઉ માટુંગા રેલવે સ્ટેશન (સેન્ટ્રલ)ની જગ્યામાં પાર્કિંગ ઊભું કરવા અને મુંબાદેવી પાસે ખુલ્લી જગ્યામાં પાર્કિંગ ઊભું કરવા માટે ખાનગી કંપનીઓને કામ સોંપવામાં આવ્યું છે. જોકે કૉન્ટ્રેક્ટરને કામ સોંપ્યા બાદ પણ હજી સુધી ત્યાં કામ ચાલુ કરવામાં આવ્યું નથી. માટુંગામાં ૧૮ માળાનું પાર્કિંગ ઊભું કરવામાં આવવાનું છે. અહીં ૪૭૫ વાહનોની ક્ષમતા રહેશે.
તે માટે પાલિકા લગભગ ૧૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. તો કાલબાદેવીમાં મુંબાદેવી મંદિર પાસે ૧૮ માળનું ૫૪૬ વાહનોની ક્ષમતા સાથેનું પાર્કિંગ ઊભું કરવામાં આવવાનું છે. તે માટે ૧૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.