પર્યટકો માટે નવું આકર્ષણ માહિમ-કોળીવાડા બનશે
દરિયા કિનારા પાસેની ભિંતનું સુશોભીકરણ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપલિકા દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારમાં સુશોભીકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, તેના ભાગરૂપે માહિમ કોળીવાડામા દરિયા કિનારાને લાગીને વિહાર ક્ષેત્ર અને સુરક્ષાની દ્દષ્ટિએ ઊભી કરવામાં આવેલી સંરક્ષક ભિંતનું સુશોભીકરણ કરવામાં આવવાનું છે. તેથી માહિમ કિલ્લા પરિસર અને સી ફૂડ પ્લાઝમાં આવનારા પર્યટકો આ સુંદર નઝારાનો અનુભવ કરી શકશે.
માહિમ-કોળીવાડામાં આવેલો દરિયા કિનારો પર્યટકોની ખાસ્સી એવી ભીડ રહેતી હોય છે. આ દરિયાકિનારાની બાજુમાં જ કોળીવાડા પણ આવેલો છે. પર્યટનની સાથે જ મુંબઈના કોળીવાડાની મહિલાઓને સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે અહીં મુંબઈ મહાનગરપાલિકાએ ‘સી ફૂડ પ્લાઝા’ ઊભું કર્યું છે. આ સ્થળે પર્યટકોને ખાદ્યપદાર્થ ઉપલબ્ધ થવાની સાથે જ સ્થાનિકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ રહી છે.
માહિમ ચોપાટીને લાગીને આવેલા કોળીવાડામાં રહેલા સી ફૂડ પ્લાઝાની હજારો પર્યટકો મુલાકાત લેતા હોય છે. તેથી કોળીવાડામાં દરિયા કિનારા પર વિહાર ક્ષેત્ર એટલે કે ફરવા માટેની જગ્યા અને સંરક્ષક ભિંતનું સુશોભીકરણ કરવા માટે ક્ધસ્લટન્ટની નિમણૂક કરવાાં આવી છે. તેની સલાહ બાદ અહીં સુશોભીકરણ કરવામાં આવશે.
ચોમાસામાં અથવા અન્ય સમયે દરિયામાં ઉછળતા મોજાથી દરિયાઈ કિનારાનું સંરક્ષણ થાય તે માટે આ ઠેકાણે સુરક્ષા ભિંત ઊભી કરવામાં આવી છે. ૧૩૦ મીટર લાંબી અને લગભગ અઢી ફૂટ ઊંચી રહેલી આ દીવાલની ત્રણે બાજુથી સુશોભીકરણ કરવામાં આવવાનું છે. વિહાર ક્ષેત્રમાં પર્યટકો માટે બોટિંગની પણ સગવડ પણ ઊભી કરવાની યોજના છે.
પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની સાથે જ બહુ જલદી અહીં કાયમી સ્વરૂપે પ્રસાધનગૃહ અને પાણી ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવું પાલિકાના ‘જી-ઉત્તર’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર અજિતકુમાર આંબીએ જણાવ્યું હતું.
કોળીવાડામાં દરિયા કિનારાને લાગીને આવેલા માહિમ કિલ્લાનું પણ સમારકામ અને ર્જીણોદ્ધાર કરવામાં આવવાનું છે. કિલ્લાના પગથિયા પરની માટી, દિવાલ પરની જૂની ટાઈલ્સ અને પ્લાસ્ટર કાઢવામાં આવવાનું છે. એ બાદ અહીં સુશોભીકરણનું કામ ચાલુ કરવામાં આવશે.