63 લાખના સોના સાથે રાજસ્થાનનો વતની મુંબઈ ઍરપોર્ટ પર પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી રાજસ્થાનના વતનીની ધરપકડ કરી દાણચોરીથી લવાયેલું અંદાજે 63 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.
એઆઈયુએ પકડી પાડેલા આરોપીની ઓળખ સુબાન બશીર અલી (40) તરીકે થઈ હતી. રાજસ્થાનના અજમેર ખાતે રહેતા અલી પાસેથી 63 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનરે તેને 65 હજાર રૂપિયાના જામીન પર છોડવાની ઑફર આપી હતી, પરંતુ તેણે જામીનની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.
જામીન માટે ઇનકાર કરનારા અલીની ધરપકડ પછી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. અલી વતી કોર્ટમાં એડ્વોકેટ પ્રભાકર ત્રિપાઠીએ દલીલ કરી હતી કે તેના અસીલે આચરેલો ગુનો જામીનપાત્ર છે તેથી તેને જામીન મળવા જોઈએ. જોકે સોમવારે નિયમિત કોર્ટમાં જામીન અરજીની સુનાવણી કરવાનો નિર્દેશ મૅજિસ્ટ્રેટે આપ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ શંકાને આધારે અલીને ઍરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. તેની પાસેથી પચીસ ગ્રામની સોનાની લગડી અને 390 ગ્રામ ગૉલ્ડ ડસ્ટ મળી આવી હતી. આ ડસ્ટ તેણે શરીરમાં છુપાવ્યું હતું. આરોપીની કસ્ટમ્સ ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે રિયાધમાં રહેતા ભંવરુએ તેને સોનું આપ્યું હતું. મુંબઈ ઍરપોર્ટ બહાર મોહમ્મદ નામના શખસ સુધી સોનું પહોંચાડ્યા પછી તેને 50 હજાર રૂપિયા આપવાની ખાતરી અપાઈ હતી.