અજબ મુંબઈની ગજબ કહાનીઃ મુંબઈનું પોલીસ સ્ટેશન બન્યું છે પાકિસ્તાની નાગરિકનું ઘર

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી સંબંધો હંમેશાં ઉતારચઢાવ જોવા મળતા હોય છે, તેમાંય વળી નાગરિકોની અવરજવરનો મુદ્દો ચર્ચામાં રહે છે, ત્યારે તાજેતરમાં પાકિસ્તાની નાગરિકે મુંબઈના પોલીસ સ્ટેશનને ઘર બનાવી દીધું છે. જાણીએ શું છે સમગ્ર કિસ્સો કે જેની અસર પાટનગર દિલ્હી પર પડી છે.
છેલ્લા ચાર મહિનાથી દક્ષિણ મુંબઈનું એક પોલીસ સ્ટેશન ૬૫ વર્ષીય પાકિસ્તાની વ્યક્તિનું અસ્થાયી ઘર બની ગયું છે, જેણે ભારતમાં ગેરકાયદે પ્રવેશ માટે સજા ભોગવી છે અને હવે તે દેશનિકાલની રાહ જોઈ રહ્યા છે.
કરાચીના કાપડના વેપારી નાદિર મુનીર ખાન ગયા ઓક્ટોબરથી માતા રમાબાઈ આંબેડકર (એમઆરએ) માર્ગ પોલીસ સ્ટેશનના એક રૂમમાં રહે છે. દેશનિકાલ થાય નહીં ત્યાં સુધી તે પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં. પોલીસે તેને પરિસરની બહાર પગ મૂકવાની મનાઈ ફરમાવી છે, એમ સિનિયર ઇન્સ્પેક્ટર સંતોષ ધનવતેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે બીએસએફે એક પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી
૧૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ, શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક શંકાસ્પદ રીતે ફરતો મળી આવતા એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ખાનની ધરપકડ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે પાકિસ્તાની નાગરિક છે. પરંતુ તેની પાસે વિઝા કે અન્ય જરૂરી દસ્તાવેજો નહોતા, તેથી પોલીસે તેને વિદેશી કાયદા અને પાસપોર્ટ કાયદા હેઠળ ભારતમાં ગેરકાયદેસર પ્રવેશના આરોપસર ધરપકડ કરી હતી.
સ્થાનિક કોર્ટે તેમને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જેલની સજા પૂરી કર્યા પછી, ખાનને ફરીથી એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો, જ્યાં તે હવે દેશનિકાલની રાહ જોઈ રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)