બાળકને ત્યજી દેનાર માતા હવે પિતાને કસ્ટડી સોંપવા સામે વાંધો ઉઠાવી શકે નહીં
બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
એકવાર માતાએ સ્વેચ્છાએ બાળકને ત્યજી દે પછી, તે પિતાને બાળકની કસ્ટડી સોંપવા સામે કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવી શકે નહીં, એવી નોંધ કરી બોમ્બે હાઈકોર્ટે બાળકની કસ્ટડી તેના જૈવિક પિતાને આપવાનો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત મુજબ આૉક્ટોબર 2021માં બાળકની ગર્ભવતી માતા અને પિતા કર્ણાટક ભાગી ગયા હતા. તેમના બાળકનો જન્મ 26 નવેમ્બરે થયો હતો. થોડા સમય પછી તેઓ મુંબઇ પાછા ફર્યા હતા, ત્યારે બાળકની માતાએ બાળકના પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે બાદ 5 માર્ચ 2022ના રોજ બોમ્બે પોલીસે પિતાની ધરપકડ કરી હતી.
માતાએ બાળકને બાળ કલ્યાણ સમિતિ (CWC)ને સોંપી દીધું અને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા.
CWCએ બાળકને દત્તક લેવા માટેની માહિતી જાહેર કરી. ત્યારબાદ બાળકને 2023માં પાલક સંભાળમાં આપવામાં આવ્યું હતું. પિતાના ઘણા પ્રયત્નો પછી CWCએ 27 જુલાઈએ બાળકને તેના જૈવિક પિતાને સોંપી દીધું. બાળકની કસ્ટડી પિતાને સોંપાતા માતાએ કોર્ટમાં કેસ કર્યો હતો. પિતાએ તેમના બાળકની સલામતી અને કસ્ટડીની માંગણી કરતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. કોર્ટમાં માતાના વકીલે દલીલ કરી હતી કે પિતાની રેપ અને POCSOના કેસમાં 2022માં અટકાયત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં બાળકની કસ્ટડી પિતાને સોંપવી યોગ્ય નથી.
આ દલીલોને પાયાવિહોણી અને અતાર્કિક ગણાવતા ન્યાયાધીશ રેવતી મોહિતે-ડેરે અને ન્યાયાધીશ ગૌરી ગોડસેની ખંડપીઠે કહ્યું હતું કે જન્મથી લઈને તેના પિતાની ધરપકડ સુધી બાળક તેની અને માતા સાથે હતું. પિતાએ બાળકને ક્યારેય છોડ્યું ન હતું અને તેના બદલે, તેણે બાળકની કસ્ટડી મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ઉલ્ટું માતાએ બાળકને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધું હતું. બાળકને ત્યજી દેનાર માતા બાળકની કસ્ટડી પિતાને સોંપવા સામે વાંધો શકે નહીં અને હાઇ કોર્ટે બાળકની કસ્ટડી પિતાને આપવાનો ચૂકાદો આપ્યો હતો.