માનસિક રીતે અસ્વસ્થ યુવકે પોલીસને કૉલ કરી મુંબઈમાં બોમ્બબ્લાસ્ટની અફવા ફેલાવી
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત 11 સ્થળે બોમ્બ મુકાયાની ધમકી આપતો ઇમેઇલ મોકલવા બદલ વડોદરાના ત્રણ જણની ધરપકડ કરાઇ હોવાની ઘટના તાજી છે ત્યાં જ માનસિક રીતે અસ્વસ્થ 32 વર્ષના યુવકે મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રૂમને કૉલ કરી મુંબઈમાં બોમ્બબ્લાસ્ટની અફવા ફેલાવી હતી.
કૉલ કરનારા યુવકને પોલીસે અમરાવતીમાં ટ્રેસ કર્યો હતો, પણ તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતાં તેની ધરપકડ કરવામાં આવી નહોતી, એમ અમરાવતી પોલીસે કહ્યું હતું.
અમરાવતીમાં રાજા પેઠ પોલીસ સ્ટેશનની હદમાં રહેનારા યુવકે શનિવારે સાંજના રાજ્ય પોલીસના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર કૉલ કર્યો હતો.
યુવકે દાવો કર્યો હતો કે મુંબઈમાં બોમ્બબ્લાસ્ટ થવાનો છે. જોકે બાદમાં તેણે કૉલ કટ કરી દીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન આ અંગે તપાસ કરવામાં આવી હતી અને કૉલ મોબાઇલ નંબર પરથી કરવામાં આવ્યો હોવાથી તેનું લોકેશન તરત જ ટ્રેસ કરવામાં આવ્યું હતું. યુવક માનસિક રીતે અસ્વસ્થ છે અને તેની સારવાર ચાલી રહી છે, એમ પણ તેમણે કહ્યું હતું.