(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટાસ્ક ફ્રોડમાં સંડોવાયેલી ટોળકીને બૅન્ક ખાતાં ઉપલબ્ધ કરાવી આપનારાને કોલકતાથી પકડી પાડવામાં આવ્યો હતો. આ કામ માટે કમિશનર મેળવનારા આરોપીનું દુબઈ કનેક્શન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
મુંબઈ પોલીસની વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સિદ્ધાર્થ ચેટર્જી તરીકે થઈ હતી. પ્રત્યેક બૅન્ક ખાતાંદીઠ સિદ્ધાર્થને 30 હજાર રૂપિયાનું કમિશન મળતું હતું. તેની પાસેથી પોલીસે 10 ડેબિટ કાર્ડ, 10 સિમ કાર્ડ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ થોડા મહિના પૂર્વે ફરિયાદી મહિલાને પાર્ટ ટાઈમ જૉબ સંબંધિત મેસેજ આવ્યો હતો. બાદમાં એક શખસે કૉલ કરી વીડિયોને લાઈક કરવા અને રેટિંગ આપવા પર સારી આવકની લાલચ આપી હતી. મહિલાનો વિશ્વાસ સંપાદન કરવા આરોપીએ શરૂઆતમાં અમુક રકમ મહિલાના બૅન્ક ખાતામાં જમા પણ કરાવી હતી.
જોકે બાદમાં પેઈડ ટાસ્કની જાળમાં સપડાવી મહિલા પાસેથી 12.93 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. મહિલા પાસે વધુ રકમની માગણી કરવામાં આવતાં પોતે છેતરાઈ હોવાની તેને જાણ થઈ હતી. આખરે મહિલાએ સાયબર પોલીસનો સંપર્ક સાધતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલાં બૅન્ક ખાતાંની વિગતો પ્રાપ્ત કરી હતી, જેને આધારે પોલીસની ટીમ કોલકતા પહોંચી હતી. પોલીસે તાબામાં લીધેલા ટૅક્સી ડ્રાઈવર સિદ્ધાર્થે અત્યાર સુધીમાં આ ઠગ ટોળકીને 35 બૅન્ક ખાતાં ઉપલબ્ધ કરાવ્યાં હોવાનું જણાયું હતું. પોલીસે વિવિધ બૅન્ક ખાતાંમાં સાત લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. સિદ્ધાર્થે ટેલિગ્રામ મારફત દુબઈની ઠગ ટોળકીને કેટલીક માહિતી પૂરી પાડી હતી. અમુક રકમ પણ દુબઈમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. ઉ
