કલ્યાણની બહુમાળી ઇમારતના પંદરમા માળે લાગી ભીષણ આગ
મુંબઈઃ કલ્યાણમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે. આધારવાડી પરિસર સ્થિત જાણીતી હાઉસિંગ સોસાયટીના એક ફ્લેટમાં આગ લાગ્યા પછી આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પસરી હતી. આગ લાગ્યાના અહેવાલ પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેમ જ કેડીએમસી દ્વારા ફાયર બ્રિગેડની ટીમને રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો: કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન
કેડીએમસીના અધિકારીએ કહ્યું છે કે કલ્યાણ પશ્ચિમ સ્થિત આધારવાડી પરિસરમાં વ્હર્ટેક્સ હાઉસિંગ સોસાયટીમાં સાંજના 6.30 વાગ્યાના સુમારે એક ફ્લેટમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. બહુમાળી ઈમારતના પંદરમા માળે આગ લાગ્યા બાદ આગ અન્ય ફ્લેટમાં પણ આગ ફેલાઈ હતી. આગની જાણ પછી રહેવાસીઓ તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા.
જોકે, અમુક લોકો ફસાયા હોવાની પણ જાણકારી મળી હતી. ટોચના ત્રણ માળ પર આગ ફેલાયા પછી લોકો ગભરાઈ ગયા હતા અને બચાવ કામગીરી માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો. આગના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરના જુના સચિવાલયમાં લાગી આગ, દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ બળીને ખાખ
ફાયર બ્રિગેડની ચાર ગાડી ઘટનાસ્થળે રવાના કરી હતી, જ્યારે જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, આગ કઈ રીતે લાગી એના અંગે નક્કર કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આ આગના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે અમુક યૂઝરે આગના વીડિયો પણ પોસ્ટ કર્યાં હતા.