પુણેની હોટેલમાં બદમાશોએ એક શખસની કરી ક્રૂરતાથી હત્યા, વીડિયો વાઈરલ
પુણેઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હોટેલમાં એક શખસની હત્યા કરી દેવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. પુણે-સોલાપુર હાઈ-વે પરના ઈન્દ્રાપુર એક્સપ્રેસવે ખાતેની હોટેલમાં એક શખસની ચારથી પાંચ અજાણ્યા શખસે ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થયા છે.
વાઈરલ થયેલા 27 સેકન્ડના વીડિયોમાં હુમલાખોરોએ એક શખસને છ ગોળી મારી હતી, ત્યારબાદ 20 વખત ધારદાર હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરમાં પોલીસને પડકાર ફેંકતા હુમલાખોરો દ્વારા હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક હોટેલમાં જમવા બેઠેલી વ્યક્તિ પર પહેલા આડેધડ ગોળી ચલાવવામાં આવી હતી. એટલું જ નહીં, પણ એ શખસનો જીવ જાય નહીં ત્યાં સુધી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર હત્યાના દ્રશ્યો ત્રીજી આંખ તરીકે કામ સીસીટીવી (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા)માં આબાદ કેદ થઈ જવા પામ્યા છે.
મળતી માહિતી મુજબ મૃતક યુવક શનિવારે અંદાજે આઠ વાગ્યે પોતાના મિત્રો સાથે હોટેલમાં ડિનર માટે ગયો હતો. દરમિયાન હુમલાની ઘટના બનવા પામી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે જૂથો વચ્ચે ગેંગવોરના પરિણામે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતકનું નામ અવિનાશ બાલુ ઘનવે (34 વર્ષ) તરીકે ઓળખ કરવામાં આવી છે, જ્યારે તે વ્યવસાયે પ્રોપર્ટી ડીલર છે.
આ ઘટના સોલાપુર એક્સપ્રેસ-વે પર આવેલી હોટેલ જગદમ્બામાં ઘટી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અચાનક ધસી આવેલા હુમલાખોરો યુવક પર ગોળી ચલાવે છે બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા-છાપરી હુમલો કરે છે. ઘટનાને પગલે પોલીસે પાંચ લોકોની ટીમ બનાવીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાથી મુંબઈ, કલ્યાણ-પુણે સહિત અન્ય શહેરમાં ધોળે દિવસે હિંસાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી રહી હોવાના સવાલ ઊભા થયા હતા.