કલ્યાણમાં શ્વાન સાથે વ્યક્તિએ કર્યું કંઈક એવું કે… વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ…

કલ્યાણ: થાણેના કલ્યાણ વિસ્તારથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. આ ઘટનાનો એક મોબાઈલથી શૂટ કરેલો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે કલ્યાણના પિસવલી વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા રખડતાં શ્વાનની પથ્થરથી કચડી નાખીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ તેને આવું કરતા અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તેમ છતાં આ તેણે શ્વાન હત્યા કરી હોવાની માહિતી પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ બાબતે માનપાડા પોલીસ સ્ટેશનમાં આરોપી ઓમ પ્રકાશ સિંહ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના વિશે વાત કરતાં માનપાડા પોલીસના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કલ્યાણને મલંગ રોડ પિસવલી ખાતે એક નાલા પર આ ઘટના બની હતી. મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં આસપાસના લોકોએ ઓમ પ્રકાશને આવું નહીં કરવા માટે રોકતા જોવા મળી રહ્યા છે પણ પ્રકાશે આ શ્વાનના માથામાં બે મોટા મોટા પથ્થર મારીને તેને ઈજા પહોંચાડી હતી. પ્રાણીપ્રેમીઓ આ ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન શ્વાનનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ પ્રાણીપ્રેમી NGOના કાર્યકર્તાએ તાત્કાલિક માનપાડા પોલીસ સ્ટેશનમાં આરોપી ઓમ પ્રકાશ સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ઓમ પ્રકાશ સિંહ સામે ફરિયાદ નોંધીને તાત્કાલિક આ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.