આમચી મુંબઈ

…તો મધ્ય રેલવેના ‘આ’ સ્ટેશન પર મોટી ‘દુર્ઘટના’ ઘટી શકે: પીકઅવર્સની સમસ્યા જાણો?

મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને સૌથી મોટા રેલવે સ્ટેશન પૈકી થાણે સ્ટેશન મોખરાનું સ્ટેશન છે. થાણે સ્ટેશને રોજના પ્રવાસીઓની અવરજવરની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ પ્રવાસીઓની વધુ ભીડ જોવા મળે છે, તેમાંય વળી લોકલ ટ્રેન રોજ વિલંબ થવાને કારણે પ્રવાસીઓની વચ્ચે ઝઘડાના બનાવો બને છે. આથી ક્યારેક એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનું પુનરાવર્તન થવાની આશંકા મુસાફરોમાં ઉઠતી રહે છે.

એલ્ફિન્સ્ટન સ્ટેશન પર માનવસર્જિત આફતનું નિર્માણ થયું હતું એના માફક થાણે સ્ટેશને પીકઅવર્સમાં ટ્રેનો મોડી પડ્યા પછી મોટા ભાગના બ્રિજ પર પ્રવાસીઓનો જોરદાર જામ થાય છે, તેનાથી જો ભાગદોડ થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેથી આ મુદ્દે પ્રશાસને ધ્યાન દોરવાનું જરુરી છે.

થાણે શહેર છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષોમાં ઘોડબંદરના ગાયમુખ સુધી વિસ્તર્યું છે અને તેથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તણાવ વધ્યો છે. ઉપરાંત મધ્ય રેલવે અને થાણેથી વાશી-પનવેલ ટ્રાન્સ હાર્બર ટ્રેનો થાણે સ્ટેશનથી દોડે છે, તેથી કર્જત, કસારા અને ભાંડુપથી ટ્રાન્સ હાર્બર દ્વારા મુસાફરી કરતા મુસાફરોએ નવી મુંબઈ પહોંચવા માટે થાણે સ્ટેશન પર ઉતરવું પડે છે. આ સ્ટેશન પર દરરોજ સવાર અને રાત્રીના સમયે મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ રહે છે.

થાણે સ્ટેશન પર મુસાફરો માટે પ્લેટફોર્મ પર ઉતરવા માટે છ ફૂટઓવર બ્રિજ છે. આ પૈકીનો એક પુલ છેલ્લા ઘણા દિવસોથી આંશિક રીતે તોડી પાડવામાં આવ્યો છે તેમ જ થોડા દિવસો પહેલા મુંબઈ તરફ નવો રાહદારી પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ રાહદારી પુલને તમામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યો નથી.

આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર બે પર આવેલા જૂના પુલની સીડીઓ જોખમી હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે. રેલ્વે પોલીસને ફૂટઓવર બ્રિજ અને સીડીઓ પરના ધસારાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશન પર બાકીના બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી મુસાફરોની માંગ છે.

અધિકારીએ કહ્યું હતું કે મુંબઈની દિશામાં રાહદારી પુલનું કામ ચાલી રહ્યું છે. અહીંની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પુલની સીડી હાલ પ્લેટફોર્મ નંબર ૩ અને ૪ અને એક સાથે જોડવામાં આવશે નહીં. જોકે, બાકીના પ્લેટફોર્મ સાથે આ પદયાત્રી પુલનું જોડાણ હશે. આનાથી હાલના બ્રિજ પર ભીડનું વિભાજન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button