વરસાદમાં સ્કૂટર સ્કિડ થતાં દાદરના કચ્છીનું મૃત્યુ | મુંબઈ સમાચાર

વરસાદમાં સ્કૂટર સ્કિડ થતાં દાદરના કચ્છીનું મૃત્યુ

વિક્રોલીના ભીના બ્રિજ પર પ્રીત નાગડાના અકસ્માત પછી પાંચ દિવસની સારવાર લીધી છતાં જીવ ન બચ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાંડુપમાં નોકરીએ જઈ રહેલા દાદરના કચ્છી યુવકને વિક્રોલી નજીક અકસ્માત નડ્યો હતો. પાંચ દિવસ સારવાર હેઠળ રહ્યા પછી સોમવારે સવારે યુવકે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. વરસાદને કારણે ભીના બ્રિજ પર સ્કૂટર સ્કિડ થવાને આ ઘટના બની હોવાનો અંદાજ પોલીસે વ્યક્ત કર્યો હતો.

કચ્છના નરેડી ગામના વતની અને દાદર પૂર્વમાં મહાત્મા જ્યોતિબા ફુલે રોડ પરની અહમદ સૈલર ચાલ ખાતે રહેતા રાજેશભાઈના દીકરા પ્રીત નાગડા (19)ને 24 જૂનની સવારે અકસ્માત નડ્યો હતો. પ્રીત ભાંડુપમાં નોકરી કરતો હતો અને સ્કૂટર પર નોકરીએ જવા નીકળ્યો હતો.

આ પણ વાંચો: મુમ્બ્રા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી આપો: શિવસેના (યુબીટી)

વિક્રોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સૂર્યકાંત નાઈકવાડીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે વિક્રોલી પાસેના બ્રિજ પર બનેલી ઘટનામાં યુવક ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે એફઆઈઆર નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ બ્રિજ પર જે સ્થળે ઘટના બની ત્યાં સીસીટીવી કૅમેરા ન હોવાથી ખરેખર અકસ્માત કઈ રીતે થયો તેની જાણ થઈ નહોતી. જોકે વરસાદને કારણે સ્કૂટર સ્કિડ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રીત માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. આ ઘટનાથી કચ્છી સમાજમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button