બોરીવલીમાં ગ્રાહકની કાર પાર્ક કરનારા હોટેલના કર્મચારીએ જ દાગીના ચોર્યા
મુંબઈ: બોરીવલીમાં ગ્રાહકની કાર પાર્ક કરનારા હોટેલના કર્મચારીએ જ કારમાંથી સોનાના દાગીના ચોર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.કિંગ્ઝ સર્કલ પરિસરમાં રહેતા દર્શીલ દિનેશ ડોડિયા (34)એ નોંધાવેલી ફરિયાદને આધારે એમએચબી કોલોની પોલીસે ગુનો નોંધી આરોપી ડ્રાઈવર રમેશ શિંદે (33)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરીના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી 17 ડિસેમ્બરની બપોરે બોરીવલી પશ્ર્ચિમમાં હૉલી ક્રોસ રોડ ખાતે આવેલી એક હોટેલમાં ગયો હતો. ફરિયાદીએ પોતાની કાર પાર્ક કરવા ચાવી હોટેલના વેલે પાર્કિંગના ડ્રાઈવરને આપી હતી. જોકે ફરિયાદી પાછો કાર પાસે આવ્યો ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. કારની પાછલી સીટ પર મૂકેલી બૅગમાંથી 20 ગ્રામના સોનાના દાગીના ચોરાયા હતા.
આ પ્રકરણે એમએચબી પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ આસપાસ લાગેલા 10થી 12 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફરિયાદીની કાર પાર્ક કરનારો શિંદે થોડી મિનિટ પછી ફરી કાર પાસે આવ્યો હતો. કાર સ્ટાર્ટ કરીને અન્ય સ્થળે લઈ ગયા પછી ફરી એ જ જગ્યા પર કાર પાર્ક કરી હોવાનું ફૂટેજમાં નજરે પડ્યું હતું. શંકાને આધારે પોલીસે શિંદેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.