કોસ્ટલ રોડને બાંદ્રા-વરલી સી-લિંક સાથે જોડશે ફૂટબોલના મેદાન જેટલો વિશાળ ગર્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં અત્યંત મહત્ત્વના ગણાતા ૧૩૬ મીટરના સ્પાનનું આગમન મુંબઈમાં થઈ ચૂક્યું છે. આ ૧૩૬ મીટરનો સ્પાન કોસ્ટલ રોડ અને બાંદ્રા-વરલી સી લિંકને જોડવામાં ખૂટતી કડી છે.
આ અંતિમ સ્પાનને જોડવાની સાથે જ કોસ્ટલ રોડ અને બાંદ્રા વરલી સી લિંક એકબીજા સાથે જોડાઈ જશે.
આ વિશાળ ગર્ડર મઝગાંવ ડોક જેટી (ન્હાવા) બંદર પર આવી પહોંચ્યો છે, જેની સાઈઝ મોટા ફૂટબોલ મેદાન જેટલી છે. બહુ જલદી વરલી સાઈટ પર તેને લાવવામાં આવવાનો છે અને તેને જોડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું છે.
લગભગ ૨,૦૦૦ મેટ્રિક ટન વજનનો આ સ્પાન કોસ્ટલ રોડ બાંદ્રા વરલી લિંક સાથે જોડાઈ જવાની સાથે જ દક્ષિણ મુંબઈ તરફના ટ્રાફિકમાં મોટી રાહત મળવાની છે. આ સ્પાન જોડાઈ ગયા બાદ કોસ્ટલ રોડના અત્યારનો છેડો વરલી એ બાંદ્રા વરલી સી લિંક સાથે જોડાઈ જશે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોેજેક્ટ અને બાંદ્રા વરલી સી લિંકના વરલી ઈન્ટરચેન્જ વચ્ચે ૮૫૦ મીટરનો ગેપ છે.
અગાઉ ફેબ્રુઆરીમાં ગર્ડરને નાખવાનું કામ ચાલુ થયું હતું અને અત્યાર સુધીમાં ૪૪ અને ૪૬ મીટરના ગર્ડર બેસાડી દેવામાં આવ્યા છે અને હવે ૧૩૬મીટરના સ્પાનની સાથે જ ગેપ દૂર થઈ જશે.