કીમતી રત્નો વેચવાને બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારી ટોળકી પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કીમતી રત્નો વેચવાનેે બહાને લોકોને નકલી રત્નો પધરાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારી ટોળકીના છ સભ્યને માટુંગા પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ સંજુર હબીબ ખાન, જિતેન્દ્રકુમાર બ્રાહ્મણ, પ્રકાશ ટેલર, શૈલેશ ચવ્હાણ, ભાલચંદ્ર તિલોર ઉર્ફે દિપેશ અને મોહંમદ ઇરફાન અબ્દુલ શેખ તરીકે થઇ હોઇ તેમની પાસેથી નકલી રત્નો જપ્ત કરાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી કીમતી રત્નો વેચવાને બહાને લોકો સાથે છેતરપિંડી આચરનારી ટોળકી સક્રિય હોવાની માહિતી ઝોન-4ના ડીસીપી પ્રશાંત કદમને મળી હતી. આથી આ ટોળકીના સભ્યો પર નજર રાખવા અને તેમની સામે કાર્યવાહી કરવાનું પોલીસને જણાવ્યું હતું. દરમિયાન ટોળકીના સભ્યો મંગળવારે દાદર રેલવે સ્ટેશન નજીક મંદિર પાસે આવ્યા હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને કીમતી રત્નો ખરીદી કરવાને બહાને ટોળકીના સભ્યોને બોલાવ્યા બાદ તેમને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓની ઝડતી લેવામાં આવતાં વિવિધ રંગના રત્નો મળી આવ્યા હતા. પોલીસ આ રત્નો અંગે પૂછતાં આરોપીઓ કહ્યું હતું કે આ રત્નો રૂ. ત્રણથી ચાર કરોડની કિંમતના હોવાનું જણાવીને તેઓ લોકોને છેતરતા હતા. આ રત્નોની તપાસ કરવામાં આવતાં તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ નાસિર કાદર શેખ નામના શખસ સાથે પણ છેતરપિંડી આચરી હોવાથી તેણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરાયો હતો.