અંધેરી બહુમાળીય ઈમારતમાં આગ: ૨૭ને બચાવી લેવાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરના અંધેરી (વેસ્ટ)માં ગ્રાઉન્ડ પ્લસ ૧૮ માળની બહુમાળી ઈમારતના પહેલા માળે બપોરના આગ ફાટી નીકળી હતી, જેમાં બિલ્ડિંગના ઉપરના માળા પર ફસાયેલા ૨૭થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સદ્બનસીબે કોઈ જખમી થયું નહોતું પણ એક મહિલાને આગને કારણે નીકળેલા ધુમાડાને કારણે ગૂંગળામણની તકલીફ થતા તેને હૉસ્પિટલ દાખલ કરી હતી.
અંધેરીમાં એસ.વી. રોડ પર અંધેરી સબ-વેની સામે ગ્રાઉન્ડ પ્લસ ૧૮ માળની ચાંદીવાલા પર્લ રીજન્સી આવેલી છે. શનિવારે બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ બિલ્ડિંગના પહેલા માળા પર ઈલેક્ટ્રિક ડક્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જે ક્ષણભરમાં ઉપર ચોથા માળા સુધી પહોંચી ગઈ હતી, તેને કારણે બિલ્ડિંગના ઉપરના માળા પર મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડના આઠ ફાયર એન્જિન, ચાર જેટી, વોટર ટેન્કર, ક્વિક રિસ્પોન્સ વેહિક, બે ટેબલ ટર્ન લેડર (સીડી) વગેરે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ પહેલા માળા પરના ઈલેક્ટ્રિક ડક્ટથી ઉપર સુધી પહોંચી ગઈ હતી, જે બાદમાં પહેલાથી ચોથા માળા સુધીના પેસેજમાં પણ ફેલાઈ ગઈ હતી. અહીં આવેલું જીમેન્શિયમમાં પણ આગની ચપેટમાં આવી ગયું હતું.
આગ પહેલાથી ચોથા માળ સુધીના ઈલેક્ટ્રિક વાયરિંગ ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ફોલ્સ સિલિંગમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતા બિલ્ડિંગના ઉપરના માળા પર અનેક લોકો ફસાઈ ગયા હતા.ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કુલ ૨૭ લોકોને આબાદ રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં ત્રીજા અને ચોથા માળા પરથી કુલ પાંચ પુરુષ અને ચાર મહિલા સહિત કુલ નવ લોકોને બચાવ્યા હતા. તો બાકીના ૧૮ લોકોને બિલ્ડિંગના દાદરા પરથી બચાવી લેવામાં આાવ્યા હતા. બચાવ કામગીરી દરમ્યાન ૨૭ વર્ષની સિમરન શેખ નામની મહિલાને ગૂંગ્ળામણની તકલીફ થતા તેને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ કરતી હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ મળી રહી હતી. લગભગ અઢીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સાંજે સફળતા મળી હતી પણ કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. જોકે પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.



