આમચી મુંબઈ

કુર્લામાં હોટલમાં આગ: કોઈ જખમી નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: કુર્લા (પશ્ર્ચિમ)માં એલ.બી.એસ માર્ગ પર આવેલી સનલાઈટ હોટલમાં બુધવારે બપોરના આગ ફાટી નીકળી હતી. બપોરના હોટલમાં ભીડ હોવા છતાં આગ લાગ્યા બાદ તરત લોકો બહાર નીકળી જતા સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોવાનું જાણવા મળ્યું હતું.

કુર્લા (પશ્ર્ચિમ)માં શીતલ તળાવ નજીક સીટી હૉસ્પિટલની નજીક ગ્રાઉન્ડ પ્લસ બે માળની સનલાઈટ હોટલ આવેલી છે. બપોરના લગભગ ૩.૩૦ વાગ્યાની આસપાસ હોટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ચાર ફાયર એન્જિન, એક ક્વિક રિસ્પોન્સ વેહિકલ સહિતના અન્ય સાધનો સાથે ફાયરબિગ્રેડ પહોંચી ગઈ હતી.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બપોરના આગ ઝડપભેર ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળા સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં આગની ચપેટમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, હોટલના ફર્નિચર, રો-મટિરિયર, ચિમની, રસોડામાં રહેલા સામાન સહિત બધુ બળીને ખાખ થઈ ગયું હતું.

આગ લાગવાની સાથે જ સ્ટાફ સહિતના હોટલમાં હાજર રહેલા તમામ લોકો તરત બહાર નીકળી જતા સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોેકે આગમાં હોટલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. એલ વોર્ડ કુર્લાના પાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ હોટલનું બાંધકામ બહુ જૂનું હોવાથી તેમાં ફાયરસેફટી સિસ્ટમ બેસાડેલી નહોતી.

આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જણાશે પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાયું હતું. આગની દુર્ઘટના બાદ ફાયરબિગ્રેડે હોટલને નોટિસ ફટકારી છે. લગભગ એક દાયકા અગાઉ એટલે કે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૧૫ની સાલમાં કુર્લામાં આવેલી સિટી કિનારા હોટલમાં લાગેલી ભીષણ આગમાં સાત એન્જિનિયરિંગના વિદ્યાર્થી સહિત આઠનાં મૃત્યુ થયા હતા.

આ દુર્ઘટના મેઝેનાઈન ફ્લોર પર આગ લાગવાથી બની હતી, જેમાં મોટા પ્રમાણમાં સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં થયેલા કેસમાં બોમ્બે હાઈ કોર્ટે પાલિકાને પીડિતના પરિવારને૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button