ખુદાબક્ષો પર તવાઈઃ પશ્ચિમ રેલવેમાં 98 કરોડનો દંડ વસૂલ કર્યો

મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં વધતા ખુદાબક્ષોની હેરાનગતિને કારણે રેલવે સખત કાર્યવાહી કરી રહી છે, જેમા પશ્ચિમ રેલવેમાં છ મહિનામાં કરોડો રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓને ઝડપી ટિકિટ ચેકરો દંડ વસૂલ કરી રહ્યા છે. પશ્ચિમ રેલવેએ એપ્રિલથી સપ્ટેમ્બર 2025 સુધી ટિકિટ વગરના મુસાફરો સામે કાર્યવાહી કરીને 97 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ સિવાય એર – કન્ડિશન્ડ (એસી) લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી 1.59 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા મેલ-એક્સપ્રેસ, પેસેન્જર, સ્પેશિયલ ટ્રેનો, લોકલ ટ્રેનોમાં નિયમિતપણે ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. અનધિકૃત મુસાફરોને પકડી પાડવા સ્ટેશન ઇન્સ્પેક્શન, અચાનક ચેકિંગ કરવું, વ્યાપક ચેકિંગ વગેરે પદ્ધતિનો એમાં સમાવેશ હોય છે.
એપ્રિલ-સપ્ટેમ્બર 2025 દરમિયાનની સંખ્યાબંધ ઝુંબેશને પગલે 97 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન વસૂલ કરવામાં આવેલા દંડની રકમ કરતા આ વખતે 42 ટકા વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરીય વિભાગ પાસેથી 27 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
આપણ વાંચો : બીએમડબ્લ્યુ સાથેની રેસ વખતે પૉર્શેકાર ડિવાઈડર સાથે ટકરાઈ: બે જખમી