નવી મુંબઈની હોટેલમાં ડૉક્ટરને બંધક બનાવી 30 લાખ રૂપિયા વસૂલ્યા

થાણે: નાગપુરના ડૉક્ટરને નવી મુંબઈની એક હોટેલમાં કથિત રીતે બંધક બનાવીને તેના પિતા પાસેથી 30 લાખ રૂપિયા વસૂલવા પ્રકરણે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાકેશ પુસાદકરે ગયા વર્ષના એપ્રિલથી ડૉ. હિમાંશુ રાઉતને જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં 28 લાખ રૂપિયા રોકવા લલચાવ્યો હતો. જોકે આરોપી નક્કી કરેલું વળતર ડૉક્ટરને ચૂકવતો નહોતો.
વાતોમાં ભોળવી પુસાદકરે ડૉ. રાઉતને નવી મુંબઈના નેરુળ પરિસરમાં આવેલી હોટેલમાં બોલાવ્યો હતો. હોટેલની રૂમમાં ડૉક્ટરને બંધક બનાવી તેના પિતા પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. ફરિયાદીની વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આરોપીએ આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તબીબની ફરિયાદને આધારે પુસાદકર વિરુદ્ધ બંધક બનાવવા, લૂંટ, છેતરપિંડી, ખંડણી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)