અહમદનગરમાં બે જૂથ વચ્ચે મારપીટ થતા વિવાદ વકર્યોઃ 61 સામે ગુનો નોંધ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે મોટો વિવાદ થતાં વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. અહમદનગર શહેરના દિલ્હી ગેટ પર આંબેડકર જયંતિના કાર્યક્રમ દરમિયાન બે જૂથના લોકો વચ્ચે ઝઘડો થયા બાદ વિવાદ મારપીટ સુધી પહોંચી હતી. શનિવારે રાતે લગભગ 9.30 વાગ્યાની આસપાસ આ વિવાદ સર્જાયો હતો, જેમાં પોલીસે 61 લોકોની સામે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવ મુદ્દે રવિરાજ સાલ્વે સહિત 37 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજા જૂથના રાહુલ સાલ્વેની ફરિયાદ મુજબ વિજય પઠારે સહિત બીજ 24 આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના શુક્રવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. અહમદનગર શહેરના નીલક્રાંતિ ચૌક પર ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભીમ ગીતને બદલે બીજું ગીત વગાડતા પૂર્વ નગરસેવક અજય સાલ્વેના દીકરા અને વિજય પઠારે વચ્ચે વિવાદ થયો અને એના પછી બંને લોકો બાથડી પડ્યા હતા. ત્યાર બાદ પઠારેએ તેના 15-20 કાર્યકરોને લઈને વિવાદ કરીને કાર્યક્રમમાં રાખેલી ખુરશીઓ પણ ફેંકી દીધી હતી અને હથિયાર વડે મારપીટને લીધે ત્રણ લોકોને ઇજા પણ થઈ હતી. જખમી લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહમદનગરમાં બે જૂથ વચ્ચે થયેલી મારપીટમાં બે જૂથની મહિલાઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવી હતી અને તે બાદ પોલીસે આ મામલે હસ્તક્ષેપ કરીને માહોલને શાંત પાડ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળ ઊભું કરવામાં આવ્યું છે, તેમ જ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આ કેસની વધુ તપાસ કરવા માટે સીસીટીવી કૅમેરા ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.