દશેરાના એક દિવસ પહેલાં રાવણદહન અંગે કોંગ્રેસના અધ્યક્ષે કરી શિંદે સરકારની ટીકા…
મુંબઈઃ શિવસેના શિંદે જૂથની દશેરાની સભા આઝાદ મેદાન પર યોજાવવાની છે અને તેને કારણે બે જૂથ વચ્ચેની ટક્કર તો ટળી ગઈ હતી પરંતુ હવે આને કારણે એક નવો વિવાદ ઊભો થયો છે અને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ માટે શિંદે સરકારની આકરી ટીકા પણ કરવામાં આવી છે.
આઝાદ મેદાન ખાતેની સભાને કારણે આઝાદ મેદાન ખાતે થઈ રહેલી રામલીલામાં રાવણ દહન દશેરાને બદલે એક દિવસ પહેલાં કરવા મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે અને આ મામલે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા શિંદે સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે.
આઝાદ મેદાન પર દર વર્ષની જેમ જ આ વર્ષે સાહિત્ય કલા મંચ અને મહારાષ્ટ્ર રામલીલા મંડળ દ્વારા રામલીલાઓ થઈ રહી છે. છેલ્લે વિજયાદશમીના દિવસે રાવણનો વધ કરીને રાવણદહન કરવામાં આવે છે. પરંતુ આ વખતે આઝાદ મેદાન પર યોજાનાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની જાહેરસભા યોજાવવાની છે અને એને કારણે એક દિવસ પહેલાં રાવણદહન કરવાનું આયોજકોને જણાવવામાં આવ્યું હતું.
શિંદે જૂથની સભાને કારણે એક દિવસ પહેલાં જ રાવણદહન કરવામાં આવશે એની ચર્ચા થતાં હવે આ મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે અને તેના પર વિવિધ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પણ શિંદે સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે રાવણનો વધ દશેરાના દિવસે ન કરતા એક દિવસ પહેલાં કરવો એવી પરંપરા મહારાષ્ટ્રના આ નવા સંતોએ શરૂ કરી છે, કારણ કે એ જગ્યાએ સભા યોજાવવાની છે.
દુર્ભાગ્યની વાત તો એ છે કે લોકોની લાગણીનો વિચાર કર્યા વિના અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું બાજુએ મૂકીને પોતાની રાજકારણની રોટલી શેકવા માટે આયોજકો પર એક દિવસ પહેલાં રામલીલા પૂરી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા થોપવામાં આવ્યો છે. અમે આનો વિરોધ કરીએ છીએ, એવું વર્ષા ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું.