અંધેરીમાં કૉલેજની વિદ્યાર્થિનીએ બિલ્ડિંગના 14મા માળેથી ઝંપલાવ્યું
મુંબઈ: વિલેપાર્લેની કૉલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થિનીએ હતાશામાં બિલ્ડિંગના 14મા માળેથી કથિત રીતે કૂદકો માર્યો હોવાની ઘટના અંધેરીમાં બની હતી.
ડી. એન. નગર પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ વિધિ પ્રમોદ કુમાર સિંહ તરીકે થઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં વિદ્યાર્થિનીએ પોતે ડિપ્રેશનમાં સરી પડી હોઈ તેના કારણે જ તે અંતિમ પગલું ભરી રહી હોવાનું નોંધ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની સવારે અંધેરી પશ્ર્ચિમમાં એસ. વી. રોડ પર આવેલી મિલિયોનેર હેરિટેજ સોસાયટીમાં બની હતી. વિધિ સિંહ આ ઈમારતમાં છેલ્લાં અમુક વર્ષથી પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. વિલેપાર્લેની મીઠીબાઈ કૉલેજમાં ભણતી વિદ્યાર્થિનીનો પરિવાર થાણેમાં રહે છે.
વિદ્યાર્થિનીએ 14મા માળેથી કૂદકો માર્યો હોવાનું કહેવાય છે. નીચે પડવાનો અવાજ સાંભળી વૉચમૅન દોડી આવ્યો હતો. તેણે સોસાયટીના સભ્યોને આ બાબતે જાણ કર્યા પછી પોલીસને માહિતી આપી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં ખસેડ્યો હતો અને ઘટનાની જાણ વિદ્યાર્થિનીના વડીલોને કરી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી શંકાસ્પદ જેવું કંઈ હાથ લાગ્યું નહોતું. વિદ્યાર્થિનીના આવા પગલા પાછળનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)