નવી મુંબઈમાં વિદ્યાર્થિનીને લાકડીથી ફટકારવા બદલ શિક્ષિકા સામે ગુનો

થાણે: ગણિતના હોમવર્કમાં ભૂલ કરવા બદલ 14 વર્ષની વિદ્યાર્થિનીને ખાનગી ક્લાસીસની શિક્ષિકાએ લાકડીથી ફટકારી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. વિદ્યાર્થિનીના હાથમાં સોળ ઊપસતાં પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં રહેતી અને નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીના પિતાએ આ મામલે કોપરખૈરાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધી શિક્ષિકા શકિલા અન્સારી સામે શનિવારે એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના શુક્રવારની સાંજે બની હતી. ઘણસોલીના સેક્ટર-5 ખાતેના ખાનગી ક્લાસીસની શિક્ષિકાએ હોમવર્કમાં ભૂલ કરનારી વિદ્યાર્થિનીના હાથ પર વારંવાર લાકડી મારી હતી, જેને કારણે વિદ્યાર્થિનીના હાથ પર સોળ ઊપસ્યા હતા.
આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ 324 અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)