કારને થયેલા નુકસાનનું વળતર માગવા ગયેલા વેપારીની હત્યા
પુણે: પુણેમાં રોડ રેજ દરમિયાન કારને થયેલા નુકસાનનું વળતર માગવા ગયેલા વેપારીનું ગામવાસીઓના જૂથે કરેલા હુમલામાં મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે 11 જણ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે પુણેના ફુરસુંગી પરિસરમાં બની હતી. આ કેસનો મુખ્ય આરોપી વિલાસ સાકેત રસ્તા પરથી ચાલતો પસાર થઈ રહ્યો હતો ત્યારે મૃતક અભિષેક ભોસલે (30)ની કારનો તેને ધક્કો લાગ્યો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે વિવાદ થયો હતો. રોષમાં આવી સાકેતે કારનો રિઅર-વ્યૂ મિરર તોડી નાખ્યો હતો.
આ ઘટના પછી ભોસલે વિલાસ સાકેતના ઘરે ગયો હતો. વિવાદનો અંત લાવી કારને થયેલા નુકસાનનું તેણે વળતર માગ્યું હતું. જોકે આરોપી અને અન્ય લોકોએ તીક્ષ્ણ હથિયાર અને પથ્થરથી વેપારી પર હુમલો કર્યો હતો, એવું હડપસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
બધા આરોપી અને મૃતક ફુરસુંગીના રહેવાસી છે. ફર્નિચરનો વ્યવસાય ધરાવતા ભોસલેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ભોસલેની પાછળ પાછળ તેનો ભત્રીજો પણ સાકેતના ઘરે ગયો હતો. આ હુમલામાં તેને પણ ઇજા થઈ હતી. આ પ્રકરણે પોલીસે 11 જણ સામે હત્યા અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીમાં વિલાસ સાકેત, કૈલાસ સાકેત અને સચિન સાકેત તરીકે થઈ હતી. (પીટીઆઈ)