શરદ પવાર જૂથને ફટકોઃ મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો મહત્ત્વનો નિર્ણય

મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવાર જૂથને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા બાદ બીજો સૌથી મોટો ફટકો શરદ પવાર જૂથને પડ્યો છે. વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે નિર્ણય આપતા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ (Speaker) રાહુલ નાર્વેકરે અજિત વાર જૂથને ખરી એનસીપી જાહેર કરતો નિર્ણય લીધો છે.
ચૂંટણી પંચે આપેલા નિર્ણય મુજબ જ રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય જાહેર લીધો છે. વિધાનસભામાં વિધાનસભ્યોની બહુમતિના આધારે ચૂંટણી પંચે એનસીપીનું નામ અને ચિહ્ન અજિત પવાર જૂથને ફાળવવાનો નિર્ણય લીધો હતો.
રાહુલ નાર્વેકર પણ ચૂંટણી પંચના નિર્ણયને આધાર બનાવીને નિર્ણય લેશે, તેવી શક્યતા હતી. રાહુલ નાર્વેકરે પણ વિધાનસભામાં સંખ્યાબળના આધારે નિર્ણય લઇ અજિત પવાર જૂથને ખરી એનસીપી ગણાવી હતી.
તેમણે લીધેલા નિર્ણયમાં મુજબ, 30 જૂન, 2023માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના બે ફાંટા પડ્યા હતા અને બંને જૂથે પોતે ખરી એનસીપી હોવાનો દાવો માંડ્યો હતો. બંને જૂથને પોતપોતાનો પક્ષ માંડવાનો મોકો આપવામાં આવ્યો હતો.
30 જૂને એનસીપીના 41 વિધાનસભ્યએ અજિત પવારને પોતાના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, જ્યારે શરદ પવાર જૂથ પાસે ફક્ત 11 વિધાનસભ્ય હતા. આ ઉપરાંત, નાગાલૅન્ડના એનસીપીના વિધાનસભ્યોએ પણ અજિત પવારને સમર્થન આપી તેમને અધ્યક્ષ માન્યા હતા. એટલે અજિત પવાર પાસે વધુ સંખ્યાબળ હોવાનું સ્પષ્ટ થયું હતું.