પગની સર્જરી કરાવવા આવ્યો 9 વર્ષનો બાળક અને ડોક્ટરોએ કર્યું કંઈક એવું કે…
થાણેઃ મહારાષ્ટ્રના થાણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. થાણેના શહાપુર ખાતે 9 વર્ષીય બાળકના માતા-પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે લોકલ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટરોએ તેમના દીકરાનું ખતના કરી નાખ્યું. બાળકના માતા-પિતાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાના દીકરાને પગમાં થયેલી ઈજાની સર્જરી કરાવવા માટે આવ્યા હતા અને ડોક્ટરોએ ઓટીમાં દીકરાની પગની સર્જરી કરવાને બદલે ગુપ્તાંગની સર્જરી કરી દીધી હતી. જોકે, બાદમાં ભૂલ સમજાતા જ ડોક્ટરોએ તેના પગની સર્જરી પણ કરી હતી. પીડિતના પરિવારજનોએ સ્થાનિક શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પીડિતના માતા-પિતાની ફરિયાદને આધારે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બાળકીની આંગળીને બદલે ડોકટરોએ જીભની સર્જરી કરી કરી નાખી, આ રાજ્યની સરકારી હોસ્પિટલનો કિસ્સો
થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને પણ બાળકના માતા-પિતાની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી દીધી છે. પરિવાર શાહપુરના સરાવલી ગામમાં રહે છે. પિતા મજૂરી કરીને અને માતા ઘરમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.
પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગયા મહિને તેમનો દીકરો જ્યારે તેના મિત્રો સામે રમી રહ્યો હતો એ સમયે તેને પગમાં ઈજા પહોંચી હતી. બાળકની ઈજાની સારવાર માટે માતા-પિતાએ તેને વારંવાર દવાખાને લઈ ગયા હતા, કારણ કે તેના પગમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. ડોક્ટરોએ પગની સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી અને પરિવારે 15મી જૂનના તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: ભારતીય ઑલરાઉન્ડરે લંડનમાં કરાવી સર્જરી, ત્રણ મહિના નહીં રમે
પરિવારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે બાળકની પગની સર્જરી સ્વપ્નિલ નામના ડોક્ટરે કરી હતી. પરંતુ જ્યારે દર્દી ઓપરેશન થિયટેરમાંથી બહાર આવ્યો એ સમયે તેણે પરિવારને જણાવ્યું કે ડોક્ટરોએ પગને બદલે તેના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન કર્યું હતું. જ્યારે પરિવારે ડોક્ટરોને આ વિશે પૂછ્યું તો તેઓ તરત જ પાછા 9 વર્ષના બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને તેના પગની સર્જરી કરી હતી. ડોક્ટરોએ પરિવારને એવું આશ્વાસન પણ આપ્યું હતું કે તેમનો દીકરો સાજો થઈ જશે.
પરિવારે ત્યાં સુધી દીકરાને ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ જવાનો ઈનકાર કર્યો હતો કે જ્યાં સુધી હોસ્પિટલવાળા લેખિતમાં નહીં આપે કે તેમના દીકરાને કંઈ જ નહીં થાય. આ બધા વચ્ચે પરિવારની ફરિયાદ બાદ શહેરના કાર્યકર્તાઓએ આ મુદ્દાને ઉઠાવ્યો અને કથિત ઓપરેશનમાં થયેલી ગડબડ માટે જવાબદાર ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
દરમિયાન હોસ્પિટલ દ્વારા આ બાબતે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પગમાં ઈજા હોવાની સાથે સાથે બાળકને ફાઈમોસિસની સમસ્યા પણ હતી અને એ કારણે તેનાં પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન પણ ડોક્ટરોએ કર્યું હતું. જોકે, પરિવાર દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું હતું કે એવું કશું જ નથી. ડોક્ટરોએ સર્જરીમાં કરતી ભૂલ કરી હતી. એક જ ઉંમરના ત્રણ દર્દીઓના એ દિવસે ઓપરેશન થવાના હતા અને કોઈ બીજા દર્દીના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરવાની હતી, પણ ડોક્ટરોએ ભૂલથી એમના દીકરાની ગુપ્તાંગની સર્જરી કરી દીધી હતી.