ફ્લૅટ ખરીદદારો સાથે 9.50 કરોડ રૂપિયાની ઠગાઈ: બિલ્ડરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાલાસોપારાના પ્રોજેક્ટમાં રોકાણ કરનારા ફ્લૅટ ખરીદદારો સાથે 9.50 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ પ્રકરણે મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ચાર વર્ષથી ફરાર બિલ્ડરની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ બ્રિજેશ વિદ્યાપ્રસાદ મોર્યા તરીકે થઈ હતી. કોર્ટે તેને 26 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
નાલાસોપારાની નિર્માણાધીન ઈમારતમાં ફ્લૅટ આપવાનું કહીને આરોપીઓએ 43 ખરીદદારો પાસેથી નાણાં પડાવ્યાં હતાં. 2012થી માર્ચ, 2020 દરમિયાન 9.50 કરોડ રૂપિયા લીધા પછી આરોપીઓએ કોઈને પણ ફ્લૅટ આપ્યા નહોતા.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓની કંપની દ્વારા ઈમારતના પાયાનું કામ કરવામાં આવ્યું હતું. પછી કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. ફ્લૅટ ખરીદનારાઓને રજિસ્ટ્રેશન પણ કરાવાયું નહોતું.
આ પ્રકરણે નાલાસોપારા પોલીસે 2020માં ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેની તપાસ આર્થિક ગુના શાખાને સોંપાઈ હતી.
ફરિયાદમાં ડ્રીમ નિર્માણ બિલ્ડિંગના માલિક ચાંદ હનીફ શેખ અને તેમ જ પૃથ્વી ડેવલપર્સના ભાગીદાર ચંદ્રકાંત પટેલ, પવન તિવારી, મુન્ના શર્મા અને બ્રિજેશ મૌર્યા પર આક્ષેપો કરાયા હતા. આરોપીની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવાઈ હતી. દરમિયાન ફરાર આરોપી મૌર્યા નાલાસોપારા પૂર્વના અલકાપુરી સ્થિત ઘરે આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો. વધુ તપાસ માટે આરોપીને નાલાસોપારા પોલીસને સોંપાયો હતો. આરોપી વિરુદ્ધ એમપીઆઈડી હેઠળ ત્રણ ગુના નોંધાયા હોવાનું પોલીસનું કહેવું છે.