પાંચ મહિનામાં રેલ અકસ્માતમાં કેટલા લોકોના થયાં મૃત્યુ, જાણો લેટેસ્ટ રિપોર્ટ?

મુંબઈઃ મુંબઈની ‘લાઈનલાઈન’ ગણાતી લોકલ ટ્રેન જાણે ‘જીવલેણ લાઈન’ બની ગઈ હોય તેવું લાગે છે. મુંબઈ રેલવે પોલીસ કમિશનરેટ તરફથી મળેલા માહિતી અધિકાર (RTI)ના જવાબ મુજબ પહેલી જાન્યુઆરીથી 31 મે, 2025 દરમિયાન વિવિધ રેલ અકસ્માતમાં 922 પ્રવાસીના મૃત્યુ થયા હતા.
આરટીઆઈના અહેવાલ અનુસાર કુલ મૃતકમાંથી 210 લોકો ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી ભોગ બન્યા હતા. મુંબઈ રેલવેમાં વધતા અકસ્માત અને અકસ્માતે મૃત્યુ પામનારાની સંખ્યા રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા કરે છે.
રેલવે કાર્યકરો અને મુસાફરોના સંગઠનોએ લાંબા સમયથી વધી રહેલી ભીડ, અપૂરતી સંખ્યામાં કોચ અને પ્લેટફોર્મ સલામતીના પગલાંના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનની ‘લેટ લતીફી’ માટે આ કારણ છે જવાબદાર
મુંબઈ રેલવે એક્ટિવિસ્ટ કમ આરટીઆઈ કાર્યકર્તા અજય બોઝે કહ્યું હતું કે આ ફક્ત આંકડા નથી – તે જાહેર આરોગ્ય અને સલામતીની કટોકટી છે. પ્રવાસીઓ અથવા પ્રશાસન દ્વારા આ પ્રકારના અકસ્માતને ટાળી શકાય છે.
વિવિધ પ્રકારના અકસ્માતમાં 922 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે તેમાંથી 210 જણના ટ્રેનમાંથી પડતી વખતે ભોગ બન્યા હતા. એના સિવાય, બાકી 712 લોકો રેલવે પાટા ઓળંગવા સહિત અન્ય કારણનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના મુસાફરી કરતા હોય તો ચેતી જજો!
મુંબઈની ઉપનગરીય રેલવે સિસ્ટમ પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇન પર દરરોજ 70 લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે. અકસ્માત મૃત્યુ પામનારાની સંખ્યા મધ્ય રેલવેમાં વધુ છે. છેલ્લા પાંચ મહિનામાં રોજના સરેરાશ 184 અકસ્માત મૃત્યુ અને 42 ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ આંકડો લોકલ ટ્રેનોમાં મુસાફરોની સલામતી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
પહેલી જાન્યુઆરીથી મે 31, 2025ના સમયગાળા દરમિયાન રેલવેની હદમાં વિવિધ અકસ્માતમાં મૃત્યુ પામનારાની સંખ્યા 922 છે, જેમાં મધ્ય રેલવેમાં 597 જ્યારે પશ્ચિમ રેલવેમાં 325નો સમાવેશ થાય છે. ઉપરાંત, લોકલ ટ્રેનમાંથી પડી જવાથી કુલ મૃત્યુ પામનારાની સંખ્યા 210 હતી, જેમાં મધ્ય રેલવેમાં 150 હતી, જ્યારે પશ્ચિમ રેલવેમાં 60 હતી.