દોઢ વર્ષમાં ટ્રાફિક-હોસ્પિટલ પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવ્યા 90 ગ્રીન કોરિડોર અને
મુંબઈઃ મુંબઈ સહિત મુંબઈ રિજનમાં જરુરિયાતમંદ દર્દીઓને ઈમર્જન્સીમાં માનવ અંગો પહોંચાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ, મુંબઈ પોલીસ, હોસ્પિટલ પ્રશાસન દ્વારા છેલ્લા અઢાર મહિનામાં 90 ગ્રીન કોરિડોર તૈયાર કરીને લોકોને નવજીવન આપવાનું કામ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૩ અને આ વર્ષના જૂન વચ્ચે મુંબઈ ટ્રાફિક પોલીસે માનવીના જરુરી અંગો અને ઈમરજન્સી દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં લઈ જતી તબીબી ટીમોને લઈ જવા માટે ૯૦ જેટલા ગ્રીન કોરિડોર તૈયારી કરીને અનેક દર્દીઓને નવજીવન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ગ્રીન કોરિડોર એ એક સીમાંકિત, ક્લીયર-આઉટ રૂટ છે, જે ટ્રાન્સપ્લાન્ટ માટે લવાયેલા અંગોને કોઈ પણ અવરોધ વિના શક્ય તેટલી ઝડપથી નિયત હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સક્ષમ બનાવે છે. ઉદાહરણ તરીકે કાલિનામાં જનરલ એવિએશન ટર્મિનલથી પરેલની હોસ્પિટલ સુધીની ૨૬ કિમીથી વધુની મુસાફરીમાં સામાન્ય રીતે શહેરના ટ્રાફિકમાં ૪૫થી ૫૦ મિનિટનો સમય લાગી શકે. પરંતુ ટ્રાફિક વિભાગ અને પોલીસ વિભાગના તાલમેલ સાથે ટ્રાન્સપ્લાન્ટ માટેના અંગને લઇ જતી એમ્બ્યુલન્સ ૨૦ મિનિટમાં હોસ્પિટલ પહોંચાડી દેવાઈ હતી.
આ પણ વાંચો : Mhada ગોરેગાંવમાં વધુ અઢી હજાર મકાનો બાંધશે
ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટરના સભ્ય ડૉક્ટરે હતું કે ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે ગ્રીન કોરિડોર મહત્ત્વપૂર્ણ છે. એકવાર અંગ પુનઃપ્રાપ્ત થઈ જાય, એટલે રક્ત પુરવઠો કપાઈ જાય છે. જેટલો સમય સુધી કોઈ અંગ રક્ત પુરવઠો મેળવવામાં નિષ્ફળ જાય છે, ટ્રાન્સપ્લાન્ટ પછી તેની અસરકારક રીતે કાર્ય કરવાની તકો ઘટી જાય છે. આ જ કારણ છે કે અવયવોને શક્ય તેટલા ઓછા સમયમાં પરિવહન કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ જેવા શહેરના બમ્પર તો બમ્પર ટ્રાફિક વાળા રસ્તાઓ પર આ કાર્ય અતિ વિકટ છે. એક ટ્રાફિક ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ મોટાભાગે તેમને માત્ર એક કલાક પહેલા મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સ, ફ્લાઇટ સહિત અન્ય બાબતોની વિગતો ઈમેલમાં સૂચના આપવામાં આવે છે. તે પછી માર્ગ પરની ટ્રાફિક ચોકીઓને તરત જ એલર્ટ કરવામાં આવે છે અને તેમના કર્મચારીઓને એમ્બ્યુલન્સ નજીક આવે તે પહેલાં જ રસ્તો મોકળો કરવા તૈનાત કરવામાં આવે છે.
કંટ્રોલ રૂમ રીઅલ-ટાઇમમાં રૂટ પર સર્વેલન્સ કેમેરા ફૂટેજનું મોનિટર કરે છે અને શેરીમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ સાથે સંકલન કરે છે. મુંબઈ શહેર જીવંત તો છે જ, પણ સાથે જીવનદાન આપવામાં પણ અવ્વ્લ છે તે આ ૯૦ ગ્રીન કોરિડોર સાબિત કરે છે.