આમચી મુંબઈ

સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલે બીમાર પત્નીની હત્યા કર્યા બાદ ગળાફાંસો ખાધો…

નાશિક: નાશિકમાં સ્કૂલના 80 વર્ષના નિવૃત્ત પ્રિન્સિપાલે પોતાની બીમાર પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલની ઓળખ મુરલીધર રામચંદ્ર જોશી તરીકે થઇ હતી. જોશીએ અંતિમ પગલું ભરતાં પહેલા લખેલી સુસાઇડ નોટમાં નોંધ્યું હતું કે હું લાંબી માંદગીમાંથી પત્ની લતા (76) અને પોતાને મુક્ત કરી રહ્યો છું.

જોશીની પત્ની લતા પણ ભૂતપૂર્વ શિક્ષિકા હતી અને છેલ્લાં ચાર વર્ષથી કેરટેકર સીમા રાઠોડની મદદથી જોશી તેની સંભાળ રાખી રહ્યો હતો. ઉપવન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જોશી દંપતી જેલ રોડ ખાતેના નિવાસે રહેતું હતું અને બુધવારે બપોરે સીમા કામ પતાવ્યા બાદ ત્યાંથી નીકળી ગઇ હતી. સીમા સાંજે સાત વાગ્યે ત્યાં પાછી ફરી હતી. ચાવીથી દરવાજો ખોલીને સીમા અંદર પ્રવેશતાં દંપતી મૃત અવસ્થામાં મળી આવ્યું હતું.

જોશીએ પ્રથમ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને બાદમાં ગળાફાંસો ખાધો હતો. જોશીએ મૃત્યુ અગાઉ સુસાઇડ નોટ લખી હતી, જેમાં નોંધ્યું હતું કે ‘હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. તે પથારીવશ છે અને તેની માંદગીથી કંટાળી ગઇ છે. હું તેને તેની માંદગીમાંથી મુક્ત કરું છું અને પોતાની જાતને પણ.’

સુસાઇડ નોટમાં લતાની ખંતપૂર્વક સેવા કરવા બદલ સીમાની પ્રશંસા કરવામાં આવી હતી અને સૂચના અપાઇ હતી કે તેને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે, જે તેણે બાજુ પર રાખી મૂક્યા છે. અમારા અંતિમસંસ્કાર માટેના રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે અને કોઇએ પણ અમારા અંતિમસંસ્કાર માટે પૈસા ખર્ચવા નહીં.’

સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું હતું કે અંતિમસંસ્કાર અગાઉ લતાને નવી સાડી, મંગળસૂત્ર અને અન્ય દાગીનાથી શણગારવામાં આવે. જોશી દંપતીના બંને પુત્ર મુંબઈમાં રહે છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button