આઠ વર્ષની બાળકીનું અપહરણકરનારો આઠ કલાકમાં પકડાયો જાતીય શોષણને ઇરાદે રીઢા આરોપીએ અપહરણ કર્યાની શંકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘરની બહાર રમતી આઠ વર્ષની બાળકીનું પાલઘર જિલ્લાના વાડા તાલુકામાંથી કથિત અપહરણ કરનારા રીઢા આરોપીને પોલીસે આઠ કલાકમાં પકડી પાડ્યો હતો. બાળકીનું જાતીય શોષણ કરવાને ઇરાદે તેનું અપહરણ કરાયું હોવાની શંકાને આધારે પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.
વાડા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ગુરુનાથ ઉર્ફે ડેવિડ મહાદુ મુકણે તરીકે થઈ હતી. ભિવંડીમાં ઈંટભઠ્ઠી પર કામ કરનારો આરોપી વાડા તાલુકાના દેસઈ ગામે રહેતી પત્નીને મળવા આવ્યો હતો ત્યારે તેણે બાળકીનું અપહરણ કર્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર વાડાના નાંદગાંવ ખાતે પરિવાર સાથે રહેતી બાળકી ગુરુવારની રાતે ઘર બહાર રમતી હતી. રાતે નવ વાગ્યાની આસપાસ ચૉકલેટ અપાવવાને બહાને આરોપી બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકી એકાએક ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકીની કોઈ ભાળ ન મળતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
બાળકી ડેવિડ સાથે ગઈ હોવાનું એ જ પરિસરમાં રહેતી અન્ય એક બાળકીએ પોલીસને કહ્યું હતું. પોલીસે મુખ્ય માર્ગો પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ઐનશેત ગામમાં બાળકીને લઈ જતો આરોપી ફૂટેજમાં ઝડપાયો હતો. આરોપીની તસવીર અને બાળકીના અપહરણની માહિતી પોલીસે જનસંવાદ અભિયાન હેઠળના વ્હૉટ્સઍપ ગ્રૂપમાં પોસ્ટ કરી હતી. એ સિવાય રાતભર અધિકારીઓ આરોપીની શોધમાં હતા, એવું વાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રય કિંદ્રેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈના અલીબાગ પાસે દરિયામાં બોટ ભડકે બળી
પોલીસના જણાવ્યા મુજબ આખરે મળસકે પાંચ વાગ્યાની આસપાસ શાસ્ત્રીનગર પરિસરમાંથી બાળકી સાથે નિર્જન પરિસરમાં સંતાતા ફરતા આરોપીને તાબામાં લેવાયો હતો. તેની પાસેથી બાળકીને છોડાવાઈ હતી. તબીબી તપાસમાં બાળકી સાથે કોઈ અનિચ્છનીય કૃત્ય કરાયાનું જણાયું નહોતું. જોકે પોલીસને શંકા છે કે જાતીય શોષણને ઇરાદે બાળકીનું અપહરણ કરાયું હતું.