ઘાટકોપરમાં કારમાંથી 72 લાખની રોકડ મળતાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી
આચારસંહિતાને પગલે પોલીસે કરી કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં શંકાને આધારે આંતરવામાં આવેલી કારમાંથી 72 લાખ રૂપિયા મળી આવતાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. રોકડ અંગે ચૂંટણી પંચને પણ જાણ કરવામાં આવી હોઈ નવી મુંબઈના એક બિલ્ડરનાં આ નાણાં હોવાનું કહેવાય છે.
ઘાટકોપર પૂર્વના એક મૉલ નજીક મંગળવારની રાતે પેટ્રોલિંગ પર હાજર પોલીસની ટીમની નજર કાર પર પડી હતી. શંકાને આધારે પોલીસે કારને રોકી તપાસ કરી હતી. તે સમયે કારમાં હાજર આઈટી કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પોલીસે પૂછપરછ કરી હતી.
કારમાંથી પોલીસને એક બૅગ મળી આવી હતી, જેમાં રોકડ ભરેલી હતી. રોકડ અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આપેલો જવાબ સમાધાનકારક ન લાગતાં પોલીસે રોકડ તાબામાં લીધી હતી. કાર સાથે સીએને પંતનગર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ લાગુ કરાયેલી આચારસંહિતાને પગલે પોલીસે આ કાર્યવાહી કરી હતી. કારમાંથી તાબામાં લેવાયેલી રોકડ ચૂંટણીનાં કાર્ય સંબંધિત તો નથીને તેની તપાસ પોલીસે કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં રોકડ વાશીના બિલ્ડરની હોવાનું જણાયું હતું. આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ અને આવકવેરા વિભાગને જાણ કરાઈ હતી. આવકવેરા વિભાગે રોકડ તાબામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.