ફેડેક્સ કુરિયર ફ્રોડમાં 65 લાખ રૂપિયા પડાવ્યા: ત્રણની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડેક્સ કુરિયરમાં ગેરકાયદે વસ્તુઓ મોકલી હોવાનું જણાવી પોલીસ કાર્યવાહીની ધમકી આપ્યા પછી 65.10 લાખ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં સાયબર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગ ફ્રોડમાં કલ્યાણના રહેવાસીએ 94 લાખ રૂપિયા ગુમાવ્યા
નોર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ બોરીવલીમાં રહેતા શુભમ સુધીર પાડાવે (26) અને મલાડમાં રહેતા ફયાન અકરમ શેખ ઉર્ફે મિલુ (22) તેમ જ અદનાન હુસેન મુસ્તફા મિર્ઝા (21) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન, વિવિધ બૅન્કની 11 પાસબુક, 14 એટીએમ કાર્ડ અને ત્રણ સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ફરિયાદીને ઓટોમેટેડ કૉલ કરી આરોપીએ ફેડેક્સ પાર્સલ સંબંધી માહિતી આપી હતી. તાઈવાનમાં મોકલેલા ફરિયાદીના પાર્સલમાંથી પાંચ પાસપોર્ટ, ચાર ક્રેડિટ કાર્ડ સહિત અન્ય ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું જણાવી આરોપીએ પોલીસ સાથે વાત કરવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: દક્ષિણ મુંબઈમાં રૂ. 3.98 કરોડનો સાયબર ફ્રોડ: દુબઇના ઓપરેટરની કેરળથી ધરપકડ
પોલીસના સ્વાંગમાં વાતચીત કરનારા આરોપીએ ફરિયાદીના બૅન્ક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. આ બધા ગુના માટે સાતથી દસ વર્ષની જેલ થવાનો ભય દાખવી અલગ અલગ બૅન્ક ખાતામાં 65.10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરિયાદીને ફરજ પડાઈ હતી. 5 જૂનથી 8 જૂન દરમિયાન આ છેતરપિંડી થઈ હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ દરમિયાન બોરીવલીથી પાડાવેને તાબામાં લીધો હતો. પાડાવેના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થયેલી રકમ ચેકથી કાઢી ફયાન અને અદનાનને આપવામાં આવી હતી. કોર્ટે ત્રણેય આરોપીને 12 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.