B. Com પાંચમાં સેમિસ્ટરની પરીક્ષામાં 62.26 ટકા વિદ્યાર્થીઓ નપાસ
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજુ વર્ષ બી. કોમ (Third year B. Com)ના પાંચમાં સત્ર પરીક્ષામાં 62.26 ટકા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. હાલમાં પાંચમાં સેમિસ્ટર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં 57,692 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35,874 વિદ્યાર્થીઓ નપાસ થયા હોવાનું યુનિવર્સિટીની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીમાં શિયાળા સત્રની બી. કોમની પરીક્ષાઓ ઓક્ટોબર મહિનામાં યોજાઇ હતી. બી. કોમના પાંચમાં સત્રની પરીક્ષાઓ માટે 60,073 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જેમા 2381 જેટલા વિદ્યાર્થીઓએ ગેરહાજર રહ્યા હતા. યુનિવર્સિટીએ આપેલા આંકડા મુજબ આ વર્ષે માત્ર 21,746 જેટલા વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં પાસ થયા છે, એટ્લે આ વર્ષનું રિઝલ્ટ 37.74 ટકા આવ્યું હતું.
એક અધિકારીએ જણાવ્યુ હતું કે કોરોના મહામારી પછી પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના ગયા છતાં પણ છેલ્લા ત્રણ સેમિસ્ટરની પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવી હતી પણ રિઝલ્ટમાં કોઈ વધારો થયો નથી તેથી શિક્ષક ક્ષેત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે બી. કોમની પરીક્ષાઓના રિઝલ્ટ સમયસર જાહેર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ 18 અભ્યાસક્રમોના રિઝલ્ટ જારી કર્યા હતા.