થાણેમાં ૬૦ ટકા નાળાસફાઈનું કામ પૂરું : ૩૧ સુધીની મુદત
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરમાં ૩૧ મે સુધી ૧૦૦ ટકા નાળાસફાઈ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જોકે તેની સામે અત્યાર સુધી થાણે શહેરમાં માત્ર ૬૦ ટકા કામ પૂરું થયું છે. ત્યારે ૩૧ મેના લક્ષ્યાંકને પૂરો કરવો થાણે પાલિકા પ્રશાસન માટે પડકારજનક સાબિત થવાનું છે.
આ વર્ષે થાણેમાં નાળાસફાઈના કામ મોડેથી ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી ૬૦ ટકા કામ પૂરું થયું છે, છતાં પાલિકા ૩૧ મે સુધીમાં નાળાસફાઈના તમામ કામ પૂરા કરી લેશે એવો દાવો થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે કર્યો હતો. શુક્રવારે થાણે પાલિકા કમિશનરે થાણેના અનેક વિસ્તારોમાં નાળાસફાઈના કામના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું અને કામનો અહેવાલ લીધો હતો.
જુદા જુદા વિસ્તારમાં નાળાસફાઈના કામના નિરીક્ષણ દરમિયાન નાળાઓ સાફ કરીને રસ્તા પર નાખવામાં આવેલો ગાળ (કચરો-કાદવ) હટાવીને રસ્તાઓને પૂર્ણ ક્ષમતાએ ટ્રાફિક માટે ખુલ્લા મૂકવાનો નિર્દેશ તેમણે આપ્યો હતો.