સત્તા અમારી છતાં, પાલિકામાં અમારા કોઈ કામ જ નથી થતાં
આવી ફરિયાદ છતાં શિંદે-સેના પછી ભાજપના ૬૦ નગરસેવકો સુધરાઈ કમિશનરની મુલાકાતે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં બે વર્ષથી સરકાર ચલાવી રહેલી ભાજપ-શિવસેનાના રાજમાં જ મુંબઈમાં કામ થઈ રહ્યા ન હોવાની ફરિયાદ અગાઉ શિંદેની શિવસેનાના નગરસેવકોએ કરી હતી અને હવે ભાજપના નગરસેવકોએ કરી છે. સત્તાધારી પક્ષના ભૂતપૂર્વ નગરસેવકો જ પાલિકામાં ચાલી રહેલા કારભાર સામે નારાજ થઈ ગયા છે.
મુંબઈ મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવેલા નગરસેવકોની મુદત પૂરી થયા બાદ લગભગ બે વર્ષથી પાલિકાનો કારભાર શિંદેસેના-ભાજપ સરકારના નેતૃત્વમાં ચાલી રહ્યો છે, છતાં ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો અને પાલકપ્રધાનને પાલિકાના મુખ્યાલયમાં વિકાસકામ અને નાગરિક સુવિધા માટે આજીજી કરવાનો વખત આવ્યો છે. સત્તાધારી ભાજપ અને શિવસેનાના નગરસેવકો જ પાલિકામાં વિકાસકામો ઠપ્પ થઈ ગયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
| Also Read: 2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?
પુનર્વિકાસના નામે મુંબઈની હાલ ૧૦થી ૧૫ હૉસ્પિટલમાં સેવા ઠપ્પ છે, તો બગીચા, રસ્તા, બજારો અને સ્મશાનભૂમિની હાલત પણ દયનીય છે એવી ફરિયાદ સાથે ૬૦થી વધુ ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને મળવા મંગળવારે પાલિકા મુખ્યાલયમાં દોડી આવ્યા હતા. એ સાથે જ રસ્તા પર મોટી સંખ્યામાં પડેલા ખાડાઓને ગણેશોત્સવ પહેલા પૂરીને રસ્તા સમથળ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.
પાલિકામાં ચૂંટાઈ આવેલા નગરસેવકોની મુદત સાત માર્ચ, ૨૦૨૨માં પૂરી થઈ ગયા બાદ પાલિકાનો કારભાર પ્રશાસકના માધ્યમથી ચાલી રહ્યો છે. રાજકીય સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ જૂન ૨૦૨૨માં સત્તા પરિવર્તન થયા બાદ પાલિકાનો કારભાર રાજ્ય સરકારના દબાણ હેઠળ ચાલી રહ્યો છે. આ દરમિયાન સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા બનાવવામાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ, સ્ટ્રીટ ફર્નિચર કૌભાંડ સહિત અનેક કૌભાંડો બહાર આવતાં સત્તાધારી પક્ષની મુશ્કેલી વધી ગઈ છે, જેમાં અગાઉ શિંદેની શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવકો ગયા અઠવાડિયામાં પાલિકા કમિશનરની મુલાકાત લઈને મુંબઈમાં જુદાં જુદાં વિકામ કામો ઠપ્પ થઈ ગયાં હોવાની ફરિયાદ કરી ગયા હતા અને હવે મંગળવારે ભાજપના ૬૦થી વધુ નગરસેવકો કમિશનરની મુલાકાતે આવીને કામ થતા ન હોવાની ફરિયાદ કરી ગયા હતા.
| Also Read: 177 બેઠકો પર વિજયનો વાવટો ફરકાવશે મહાયુતિ?
પાલક પ્રધાન સહિત ભૂતપૂર્વ નગરસેવકોએ પાલિકા કમિશનરની મુલાકાત લઈને નાગરિકોને થતી અડચણને લઈને રજૂઆત કરી હતી, એ દરમિયાન તમામ એડિશનલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત હતા.