આઠ ટકા નફાની લાલચે રોકાણકારો સાથે 6.25 કરોડની છેતરપિંડી: બે સામે ગુનો

થાણે: રોકાણ કરેલી રકમ પર છથી આઠ ટકા વળતરની લાલચે રોકાણકારો સાથે 6.25 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી પ્રકરણે થાણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે આરોપી મનીષ મલકાન અને અર્પિત શાહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406 અને અન્ય સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કથિત છેતરપિંડી ઑક્ટોબર, 2020થી મે, 2023 દરમિયાન થઈ હતી.
આ પણ વાંચો: ડોંબિવલીમાં મિત્ર સાથે રૂ. 8.17 લાખની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો
આરોપીઓએ તેમની કંપની મની મેકર મલકાનમાં રોકાણ કરવા લોકોને લોભામણી ઑફર આપી હતી. આ કંપનીને માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) મંત્રાલય દ્વારા લાઈસન્સ આપવામાં આવ્યું હોવાનો દાવો આરોપીઓએ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ રોકાણ કરેલી રકમ પર છથી આઠ ટકા નફાની લાલચ આપી હતી. આકર્ષક વળતરની લાલચે લોકોને કંપનીમાં રોકાણ કરવા આરોપીઓએ પ્રેર્યા હતા.
આ પણ વાંચો: આર્થિક છેતરપિંડી વાયા સોશિયલ મીડિયા
જોકે 2023થી આરોપીએ વળતર ચૂકવવાનું બંધ કર્યું હતું. એ સિવાય મૂળ રકમ પાછી આપવામાં પણ નિષ્ફળ ગયા હતા. આ છેતરપિંડીમાં 24 જેટલા રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)