58 કરોડ રૂપિયાનો ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ કેસ: ચીન, હૉંગ કોંગ, ઇન્ડોનેશિયા સાથે કડી ધરાવતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક મળી આવ્યું

મુંબઈ: મુંબઈમાં વેપારી અને તેમની પત્ની સાથે થયેલા દેશના સૌથી મોટા 58 કરોડ રૂપિયાના ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડના કેસની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટને ચીન, હૉંગ કોંગ અને ઇન્ડોનેશિયા સુધી કડી ધરાવતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક મળી આવ્યું હતું.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારી હોવાનું જણાવીને સાયબર ક્રિમિનલોએ 19 ઑગસ્ટથી 8 ઑક્ટોબર, 2025 દરમિયાન મુંબઈના ફાર્માસ્યુટિકલના વેપારી પાસેથી 58 કરોડ રૂપિયા પડાવ્યા હતા. દેશમાં આ સૌથી મોટું ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડ માનવામાં આવે છે.
આપણ વાચો: ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડમાં 1.2 કરોડ ગુમાવ્યાના મહિના બાદ નિવૃત્ત સરકારી અધિકારીનું મૃત્યુ
આ કૌભાંડ ક્રિપ્ટોકરન્સી મારફત ચલાવવામાં આવ્યું હતું અને બાદમાં ઉચાપત કરેલી રકમ ઘણા બધા ક્રિપ્ટો વૉલેટ થકી વિદેશમાં વાળવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
સાયબર ડિપાર્ટમેન્ટને આ કેસની ઊંડાણથી તપાસમાં ચીન, હૉંગ કોંગ અને ઇન્ડોનેશિયા સુધી કડી ધરાવતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક મળી આવ્યું હતું. આ ટોળકીએ કમિશન આધારિત અસંખ્ય બૅંક અકાઉન્ટ્સ થકી કામ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આપણ વાચો: 58 કરોડનો ‘ડિજિટર અરેસ્ટ’ ફ્રોડ કેસ: વધુ ચાર આરોપીની ધરપકડ…
વેપારીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. ફરિયાદ અનુસાર વેપારીને અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ સીબીઆઇના ઓફિસર તરીકે આપી હતી. બાદમાં સત્તાવાર તપાસને બહાને વેપારીને વીડિયો કૉલમાં જોડાવા માટે કહેવાયું હતું. દરમિયાન વેપારી અને તેમની પત્નીને આરોપીઓએ 40 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખીને 58 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
સાયબર પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કેસ અલગ કેસ નથી, પરંતુ મોટી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ભાગ છે, જેઓ એક વર્ષથી વધુ સમયથી ભારતીય નાગરિકોને લક્ષ્ય બનાવી રહ્યા હતા. અધિકારીઓનો અંદાજ છે કે સાયબર ક્રિમિનલોએ ડિજિટલ અરેસ્ટ ટેક્ટિક્સ અને ક્રિપ્ટોકરન્સી થકી ભારતભરમાં અનેક પીડિતો સાથે છેતરપિંડી આચરીને 2,000 કરોડથી વધુ રકમ પડાવી છે. (પીટીઆઇ)



