આકર્ષક વ્યાજની લાલચે 54 કરોડ રૂપિયાની છેતરપિંડી: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે ગુનો
બે દિવસથી ગુમ સીએના પરિવારે મિસિંગની ફરિયાદ નોંધાવી
મુંબઈ: રોકાણ કરેલી મૂડી પર આકર્ષક વ્યાજની લાલચે રોકાણકારો પાસેથી 54.4 કરોડ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી આચરવા પ્રકરણે અંધેરીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા બે દિવસથી ગુમ હોવાનો દાવો કરી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ રોકાણકારોની ફરિયાદને આધારે ઓશિવરા પોલીસે શુક્રવારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંબર દલાલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406, 409 અને અન્ય સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.
અંધેરીમાં ભાડાની જગ્યામાં ઑફિસ ખોલી દલાલ આ સ્કીમ ચલાવતો હતો. છેલ્લા બે દિવસથી ઑફિસ બંધ કરી દલાલ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
રોકાણ કરેલી રકમ પર મહિને બે ટકા વ્યાજની ખાતરી આપી આરોપીએ રોકાણકારોને લલચાવ્યા હતા. આરોપીએ મૂડીની સુરક્ષા માટે લિગલ ગૅરન્ટીની પણ ખાતરી આપી હતી. પોતાની સ્કીમ સાથે આંતરરાષ્ટ્રીય બ્રોકરો પણ જોડાયેલા હોવાનો દાવો આરોપીએ કર્યો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.
રોકાણકારોને આ મહિને નાણાં ચૂકવાયાં નહોતાં. વળી, પરિવારજનોએ દલાલ બે દિવસથી ગુમ છે અને તેની મિસિંગ ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હોવાની જાણ કરતાં રોકાણકારોને તેમની સાથે છેતરપિંડી કરાઈ હોવાનું જણાયું હતું. અમુક રોકાણકારો આ મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે. (પીટીઆઈ)