નવી મુંબઈમાં 506 વિદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા
થાણે: નવી મુંબઇમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે વસવાટ કરનારા 506 જેટલા વિદેશી નાગરિકોને પોલીસે શોધી કાઢ્યા હતા, જેમાં 411 નાઇજીરિયનોનો સમાવેશ છે.
આ નાગરિકો યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા અથવા તો તેમના વિઝાની મુદત પૂરી થવા છતાં અહીં રોકાયા હતા.
નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ડ્રગ્સના વેચાણને ડામવાના તેમના પ્રયાસના ભાગરૂપે પાડવામાં આવેલા દરોડા તથા શોધ દરમિયાન પોલીસને આની જાણ થઇ હતી. 411 નાઇજીરિયનોમાંથી ઘણા તો ડ્રગ્સ સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હતા, એવું તપાસમાં જાણવા મળ્યું હતું.
આ વિદેશી નાગરિકોને આશ્રય આપનારા મકાનમાલિકો વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ કરતા 483 વિદેશી નાગરિકોને દેશ છોડવા માટે નોટિસ પાઠવાઇ હતી, એમ પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)