આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

એસઆરએના ફ્લેટ ટ્રાન્સફર ફીમાં 50 ટકાનો ઘટાડો: કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેતાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી સ્કીમ (એસઆરએ)માં ફ્લેટના વેચાણ પર ચુકવવાપાત્ર ટ્રાન્સફર ફી ને રૂ. 1 લાખથી ઘટાડીને રૂ. 50,000 કરવાનો નિર્ણય લીધો હતો.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ્યારે ગૃહનિર્માણ વિભાગનો હવાલો સંભાળતા હતા ત્યારે તેમણે મે 2023 માં જાહેરાત કરી હતી કે સરકાર આ બાબતે આવો નિર્ણય લઈ શકે છે. ત્યારબાદ અજિત પવારની આગેવાની હેઠળનું જૂથ સરકારમાં જોડાયું અને કેબિનેટ પોર્ટફોલિયોની પુન:વિતરણ કરવામાં આવ્યો તેમાં હાઉસિંગ પોર્ટફોલિયો ભાજપના અતુલ સાવેને આપવામાં આવ્યો હતો. આને પગલે આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં વિલંબ થયો હતો. બુધવારે આખરે આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ બાંધવામાં આવતી ઈમારતોમાં ઝૂંપડાવાસીઓને ઘર આપવામાં આવે છે. વાસ્તવમાં મૂળ નિયમ મુજબ નિવાસી ગાળાના હસ્તાંતરણ માટે રૂ. એક લાખ, ઔદ્યોગિક ગાળા માટે રૂ. બે લાખ અને કમર્શિયલ ગાળા માટે રૂ. ત્રણ લાખની ટ્રાન્સફર ફી નિર્ધારિત કરવામાં આવી હતી. સરકારે ફક્ત નિવાસી ગાળા માટેની ફીમાં પચાસ ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એસઆરએના નિવાસી ગાળા હસ્તાંતરણ માટે પહેલાં જે રૂ. 10 વર્ષની સમયમર્યાદા હતી તેને ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ટ્રાન્સફર ફી ઘટાડવાની માગણી ઘણા વર્ષોથી પડતર હતી અને તમામ પક્ષોના ઘણા ધારાસભ્યો આ માંગણી ઉઠાવી રહ્યા હતા. આ પગલાથી એસઆરએ સ્કીમમાં ઘર મેળવનારા અને પ્રોપર્ટી વેચવાની યોજના બનાવી રહેલા લોકોને રાહત મળવાની શક્યતા છે. અહીં ઉલ્લેખનીય છે કે એસઆરએના ઘરના વેચાણ વખતે સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સરકારને મળતી જ હોય છે, આ ઉપરાંત એક લાખની ટ્રાન્સફર ફી હોવાથી બિનજરૂરી ખર્ચ વધી જતો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત લેવામાં આવેલા એક મહત્ત્વના નિર્ણયમાં દક્ષિણ મુંબઈના ચર્ની રોડ પર બાંધવામાં આવનાર સી ફેસિંગ મરાઠી ભાષા ભવનની યોજનામાં ફેરફાર સાથે કેબિનેટને પણ રજૂ કરવામાં આવશે. જવાહર બાલ ભવન જ્યાં શિક્ષણ વિભાગની કચેરીઓ આવેલી છે તેની બાજુમાં આવેલા પ્લોટ પર બિલ્ડિંગનું આયોજન પહેલાં કરવામાં આવ્યું હતું. વર્તમાન સરકારની નવી યોજના મુજબ ભાષા ભવન નિર્માણ માટે બંને પ્લોટ મર્જ કરવામાં આવનાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button