પાણીનું ટેન્શન ! મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે અપેક્ષા મુજબ જ મુંબઈમાં લોકસભાની ચૂંટણી ૨૦મેના પૂરી થવાની સાથે જ મુંબઈગરાના માથા પર પાણીકાપ લાદી દેવામાં આવ્યો છે. શનિવાર, ૩૦મેથી પાંચ ટકા અને પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.
મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં પાણીની સપાટીમાં મોટો ઘટાડો થયો છે. જળાશયોમાં માંડ ૧૦ ટકા જેટલું પાણી બચ્યું છે. તેથી પાલિકાએ મુંબઈમાં ૩૦ મે, ૨૦૨૪થી પાંચ ટકા પાણીકાપ અને બુધવાર, પાંચ જૂન, ૨૦૨૪થી ૧૦ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી છે.
મુંબઈની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે, ભિવંડી-નિઝામપૂર મહાનગરપાલિકા સહિત અન્ય ગામોને જે પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાં પણ પાંચ ટકા અને ૧૦ ટકા પાણી લાગુ પડશે.
ચોમાસા દરમિયાન સંતોષજનક વરસાદ પડ્યા બાદ જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયા બાદ આ પાણીકાપ પાછો ખેંચવામાં આવશે એવું પાલિકા પ્રશાસને કહ્યું હતું.