જીએસટી સંબંધિત 44 કરોડનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેકેટ કૌભાંડ પકડાયું

મુંબઈ: મુંબઈમાં ટેક્સ સત્તાવાળાઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સાથે સંકળાયેલા નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને કૌભાંડના સૂત્રધારની થાણામાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.
સીજીએસટી મુંબઈ વિભાગના સેન્ટ્રલ એક્સાઇઝ અને જીએસટી કમિશનરેટ દ્વારા આ કૌભાંડ ઉઘાડું પાડવામાં આવ્યું હતું. પકડાયેલા શખ્સ હિતેશ વસાએ કથિત સ્વરૂપે 22 નોન-બોનાફાઇડ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓની રચના અને નોંધણી કરાવી હતી અને એ કંપનીઓને મળી શકતા લાભો મેળવી જાળવી રાખ્યા હતા એમ અધિકારીએ જણાવ્યું હતું.
વસાએ આશરે 48 કરોડ રૂપિયાની અસ્વીકાર્ય આઇટીસીનો લાભ લીધો. માલ કે સેવાઓની વાસ્તવિક હેરફેર વિના જ 44 કરોડ રૂપિયાની આઇટીસી પણ મેળવી હતી એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.
આ કૌભાંડનો કથિત સૂત્રધાર પણ આ આભાસી કંપનીઓના ટર્નઓવર વધારવા માટે સર્ક્યુલર ટ્રેડિંગમાં સામેલ હતો એવી માહિતી અધિકારીએ આપી હતી. જીએસટી સિસ્ટમ હેઠળ આઇટીસી એક એવી પદ્ધતિ છે જે વ્યવસાય દ્વારા આઉટપુટ પર ઉઘરાવેલા કર સામે તેમની ખરીદી પર જે કર ચૂકવે છે તેને સરભર કરવાની મંજૂરી આપે છે. પરિણામે બેવડા કરવેરાને અટકાવે છે. (પીટીઆઈ)